News of Friday, 10th October 2025
કરોડોના ખર્ચ બાદ ચાલુ કરાયેલ કેશોદનો બ્રિજ સામાન્ય વરસાદના કારણે બંધ કરવો પડ્યો
પહેલા રેલ્વે ફાટક વિઘ્નરુપ બનતું હતું , હવે મેઘરાજા! : કેશોદમા નદીના વેણ વચ્ચે પણ લાંબા અંતરના અંડર બ્રિજનો ‘પ્રયોગ' લોકો માટે હાલ તો અસહ્ય સાબિત થયો : સૌરાષ્ટ્રનો લગભગ લાંબા અંતરનો મનાતો અંડર બ્રિજ નદીમાંથી પસાર કરાતા સરવાણી ફૂટવા લાગીઃ ચોમાસાના ચાર માસતો આ બ્રિજ તળાવમાં ફેરવાઈ જાય છે પરિણામે લોકોએ ફરજિયાત લગભગ ૪ કી. મી. નું અંતર કાપી શહેરની બજારોમાં આવવું પડે છેઃ કોન્ટ્રાક્ટ એજન્સીની બેદરકારીના પરિણામે શહેરના હૃદય સમા, ટ્રાફિકથી ભરચક એવા ચાર ચોક વિસ્તારમાં સામાન્ય વરસાદથી પણ પાણી ભરાઈ જતા કાદવ- કિચડ વચ્ચે લોકો અને વેપારીઓ ભારે પરેશાનઃ પાણી નિકાલ માટે ગટરની વ્યવસ્થાનો અભાવ : પૂર્વ થી પશ્ચિમ તરફ રાહદારીઓને ચાલવા માટે કોઇ વ્યવસ્થા નહીં

(સંજય દેવાણી દ્વારા ) કેશોદ તા.૧૦: અત્રે પૂર્વ- પશ્ચિમ શહેર તરફ આવવા જવા માટે શહેરના હૃદય સમા ચારચોક વિસ્તાર થી પૂર્વ તરફ પસાર થતો એકમાત્ર મુખ્ય માર્ગ પર ફાટક મુક્તિ ના નામ પર અંડર બ્રિજનું નિર્માણ કરાતા અગાઉ વાહનો અને રાહદારીઓ થી ધમધમતો પૂર્વ તરફનો મુખ્ય પ્રવેશ દ્વાર જાણે કે ‘દયનીય' બન્યો હોય તેવું જણાઈ રહેલ છે. આ સ્થિતિ વચ્ચે જરૂરી ભૌગોલિક સ્થિતિના અભાવ વચ્ચે પણ નદીની મધ્યમા થી પસાર કરવામાં આવેલ લાંબા અંતરના અંડરબ્રિજનો ‘પ્રયોગ ' હાલ લોકો માટે અસહ્ય બનેલ છે. લોકો રમુજમાં કહે છે કે અત્યાર સુધી પૂર્વ તરફ જવા માટે ફાટક બાતા રૂપબનતું હતું હવે ચોમાસા દરમિયાન વરસાદ વિઘ્નરુપ બનશે! કેશોદ શહેરની ૪૦% જેવી વસ્તી શહેરના પૂર્વ તરફ ના વિસ્તારમાં વસવાટ કરે છે. આ વિસ્તાર મોટાભાગનો રહેણાંક વિસ્તાર જ હોય આ વિસ્તારમાં વસતા લગભગ તમામ લોકો કામ ધંધા કે ખરીદી માટે સામાન્ય રીતે પશ્ચિમ શહેર સાથે સંબંધ ધરાવે છે આ ઉપરાંત પૂર્વ તરફના ગામડાઓ માંથી અસંખ્ય લોકો પણ ખરીદી કરવા માટે કેશોદ ખાતે આવતા હોય છે. શહેરની મુખ્ય બજારો પશ્ચિમ તરફ આવેલી હોય ચારચોક નજીક આવેલ રેલવે ફાટક ના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈ રેલવે ટ્રેક ક્રોસિંગ ના વિકલ્પ રૂપે અંદાજે ૨૨ કરોડ થી પણ વધુ ના ખર્ચે અંડર બ્રિજનું નિર્માણ કરવામા આવેલ છે.
આ અંડર બ્રિજનું પૂર્વ તરફ આવેલ સાર્વજનિક છાત્રાલય નજીક આવેલ અક્ષયગઢ રોડ તથા એલ. કે. હાઈસ્કૂલ રોડ ને જોડતા માર્ગ થી શરૂ થઈ પશ્ચિમ માંગરોળ રોડ પર આવેલ શ્રીમતી ગોદાવરી બાઈ કન્યા શાળા સુધી નિર્માણ થવા પામેલ છે. આ અંગે જાણકારો નું માનવું છે કે, જમીન લેવલથી લગભગ ૧૫ થી ૧૭ ફૂટ ની ઊંડાઈ ધરાવતો કદાચ આ અંડર બ્રિજ સૌરાષ્ટ્ર નો સૌથી મોટા અંતરનો, અંદાજે અડધા કિલોમીટર થી પણ વધુ અંતર નો લાંબો છે.
આ અંડર બ્રિજને ગત તારીખ ૨૫ ના રોજ ખુલ્લો મુકવામાં અવતાર ટ્રાફિકનો ધમધમાટ શરૂ થયેલ હતો બાદમાં ચાર દિવસ બાદ સામાન્ય વરસાદથી આ બ્રિજમાં પાણી ભરાઈ જતા ફરી બંધ કરવા ફરજ પડે છે.જે આજે તારીખ ૧૦ ઓક્ટોબરના રોજ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી હજુ પણ ચાલુ થવા પામેલ નથી. વરસાદના પાણી બાદ આ બ્રિજમાં ભૂગર્ભમાંથી ‘રેસ' (સરવાણી) ફૂટવાનું શરૂ થઈ જાય છે, જેનો સંબંધિતો દ્વારા સામાન્ય મોટર અથવા પંપ જેવા ઉપકરણોની મદદથી પાણી ઉલેચવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે ફરી વરસાદના સંજોગો ઊભા ન થાય તો આ પાણીનો લગભગ ૧૦ થી ૧૫ દિવસે માંડ નિકાલ થાય છે આમ લગભગ સમગ્ર ચોમાસા દરમિયાન આ આખો બ્રિજ પાણીથી જ છલોછલ ભરાયેલો જોવા મળે છે. અર્થાત કહોને કે આ અંડર બ્રિજ સંપૂર્ણ તળાવમાં ફેરવાઈ જાય છે અને લોકો આ ‘નજારો' જોવા માટે ઉમટી પડે છે !
આ સ્થિતિ વચ્ચે લોકો નુ માનવું છે કે,ખાસ કરીને ચોમાસામાં લોકો જ્યારે આ લાંબા અંતરના ‘હોડી' આકારના અંડર બ્રિજ માંથી પસાર થાય અને એકાએક જોરદાર વરસાદ તૂટી પડે તો ઉપરથી ઉપરાંત બ્રિજની બંને છેડા ની સાઈડો માંથી વરસાદી પાણી ઘસી આવે તો આવા સંજોગોમાં લોકો અંદર ફસાઈ શકે છે અર્થાત લોકોએ બહાર આવવું ભારે મુશ્કેલ બની જાય અને કોઈ દુર્ઘટના બને તેવી સ્થિતિ પણ નિર્માણ પામી શકે તે બાબતને નકારી શકાય નહીં. આમ નદીના વેણને વિંધી ને વિપરીત ભૌગોલિક સ્થિતિ વચ્ચે બનાવવામાં આવેલ લાંબા અંતરના આ અંડરબ્રિજ ભવિષ્યમાં ખાસ કરીને ચોમાસુ સિઝનમાં ગંભીર અને જોખમી બની શકે તેવી શકયતાઓ નકારી શકાય નહીં. ભવિષ્યમાં આવી અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા કોઈ આધુનિક સાધનો કે ઉપકરણો ની વ્યવસ્થા સાથે તાત્કાલી અસરથી ચોમાસા દરમિયાન ભરાતા પાણીના નિકાલ ના પગલાં લેવા અનિવાર્ય જણાવાઈ રહેલ છે.
બીજી તરફ આ અંડર બ્રિજ બનતા સ્થાનિક શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા રાહદારીઓ માટે પૂર્વ થી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ ચાલીને આવવા જવા માટે કોઇ નક્કર વ્યવસ્થા નથી. બ્રીજની અંદરથી વાહનોનો ભારે ઘસારો રહેતો હોય તેના પરિણામ અકસ્માતનો ભય સતાવતો રહેતો હોય અંદરની તરફ ચાલી શકાય તેવી સ્થિતી નથી. ઉપરની તરફ સર્વિસ રોડ આપેલા હોય પરંતુ સર્વિસ રોડ માત્ર રેલવેની હદ સુધી જ હોય ત્યારબાદ રેલવેના ટ્રેક હોય ત્યાંથી ચાલવું નિયમ વિરુદ્ધ હોય રાહદારીઓ માટે ચાલીને કયાંથી આવવું,?એ મોટો પ્રશ્ન બને છે. આજથી વચ્ચે કાયમી ધોરણે રાહદારીઓ પૂર્વ પશ્ચિમ તરફ સુરક્ષિત રીતે ચાલીને અવન-જવન કરી શકે તેવી વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠવા પામેલ છે.
આ અંડર બ્રિજ નું નિર્માણ થતાં કેશોદના હૃદય સમા ગણાતા ચાર ચોક વિસ્તારની પણ ભારે દુર્દશા થવા પામેલ છે. અંદર બીજના નિર્માણ પૂર્વ ચારચોક વિસ્તારમાં દરમિયાન કયારેય પાણી ભરાતું નહીં. કુદરતી પાણીના નિકાલ માટે ખૂબ જ સરસ વ્યવસ્થા હતી. ચાર ચોકમાં પાણી ન ભરાય તે માટે જે તે સમયે પી.ડબ્લ્યુ.ડી. દ્વારા ચાર ચોક નજીક પૂર્વ તરફ ભૂગર્ભમાં મોટા સિમેન્ટના પાઇપો નાખી આખી ગટર વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ હતી. જે અંડર બ્રિજ ના નિર્માણ દરમિયાન તોડી ફોડી નાખ્યા બાદ અન્ય કોઈ કુદરતી પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા કરવામાં તો નથી આવેલી પરંતુ અધૂરામાં પૂરું કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ચાર ચોક ઢાળ પૂર્વ તરફ આપવામાં આવેલ છે જ્યારે ચાર ચોક થી રેલવે ટ્રેક તરફ બનાવવામાં આવેલ સર્વિસ રોડ નો ઢાળ ચાર ચોક તરફ એટલે કે પヘેિપારીઓ તથા લોકો બની રહ્યા છે. સામાન્ય નિયમ મુજબ કુદરતી પાણીના નિકાલ માટે મુખ્ય રોડથી પેટા રોડ તરફ ઢાળ આપવાનો હોય છે પરંતુ નિયમો ને નેવે મૂકી પૂર્વ તરફના સર્વીસ રોડ નો ઢાળ પણ ચારચોકના મુખ્ય રોડ પર આપી આ લોક આ વિસ્તારના વેપારીઓ તથા વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થવા પામે છે. આ ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં વરસાદ રહી ગયા બાદ પણ ઘણા દિવસો સુધી પાણી ભરાઈ રહે છે અને ભારે કાદવ - કીચડ નું ભારે સામ્રાજ્ય જામે છે, જે લોકો માટે ત્રાહિમામ બની જાય છે. જો આ સ્થિતિ યથાવત જ રહેશે તો અંડર બ્રિજ ઉપર બાંધવામાં આવેલ સ્લેબ ભવિષ્યમાં નબળો પડી શકે અને ભારે નુકસાની વેઠવી પડે તેવું જાણકારોનું માનવું છે.
બીજી તરફ આ ચારચોક વિસ્તારમાં સમગ્ર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતા કાદવ - કીચડ ના કારણે ગ્રાહકો ખરીદી માટે દુકાનો સુધી પહોંચી ન શકતા વેપારીઓને પણ ધંધા ઉપર માઠી અસર જણાઈ રહેલ છે. આ વિસ્તારના વેપારીઓએ ચાલતી અંડરબિજની કામગીરીના કારણે લગભગ પોણા ચાર વર્ષ સુધી માઠી દશા ભોગવેલ છે ત્યારે હવે જરૂર એવી પ્રાથમિક સુવિધાઓ મળે તેવું આ વિસ્તારના વેપારીઓ ઈચ્છે રહ્યા છે. કાદવ- કિચડ ના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા કે લોકોને આરોગ્ય માટે પણ ખતરા રૂપ બનેલ છે.ચોમાસા દરમિયાન ચાર ચોક વિસ્તારમાં ભરાતા પાણી અંગે સ્થાનિકનગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા નું ધ્યાન દોરતા આ પ્રશ્નનું નિરાકરણ કરી આપવા તેઓએ ખાતરી આપેલ છે.
અંડર બ્રિજ ખાતમુહર્ત ફેબ્રુઆરી ૨૦૨૨ મા થયા બાદ એકાદ માસના સમય પછી આ અંગેની કામગીરી શરૂ થતા જવાબદાર સંબંધિત તંત્ર વાહકો દ્વારા આ બ્રિજ સવા થી દોઢ વર્ષમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ જશે તેવી ખાતરી આપવામાં આવેલ હતી. પરંતુ આ બ્રિજની કામગીરી લગભગ પોણા ચાર વર્ષ સુધી ચાલતા ખાસ કરીને પૂર્વ તરફના રહેવાસીઓ તથા આ વિસ્તારના લોકો તથા વેપારીઓ એ ભારે હાલાકી સાથે મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે. જોકે આ અંગે કડવી સત્ય હકીકત એ છે કે, બ્રિજનું છેલ્લે બાકી રહેલ ૧૦%જેવું કામ માત્ર છેલ્લા બે માસમાં ચાલુ ચોમાસા દરમિયાન જ પૂર્ણ કરેલ હોવાનો દાવો કરવામાં આવેલ છે ત્યારે એ હિસાબે સંપૂર્ણ બ્રિજની ૧૦૦ કામગીરી માત્ર ૨૦ માસમાં જ પૂર્ણ થવી જોઈએ તેના બદલે લગભગ ૪૪ માસ જેવો ખાસ્સો સમય લોકો તથા વેપારીઓના ભોગે વેડફી નાખવામાં આવેલ છે ત્યારે તેના માટે જવાબદાર કોણ ?! તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે.
જોકે કમ નસીબી એ છે કે,૨૦૨૨ થી ૨૦૨૫ દરમિયાન ચાર ચોમાસા વીતી જવા છતાં પણ હજુ આ અંડર બ્રિજ રાબેતા મુજબ શરૂ થઈ શકેલ નથી. બ્રિજની કામગીરી ને ધ્યાને લઈ પૂર્વ તરફ જવા કે આવવા માટે તંત્ર દ્વારા ઉતાવળી નદીના પુલ નીચેથી વૈકલ્પિક માર્ગ બનાવી આપવામાં આવેલ છે . આ સ્થળે ચોમાસામાં વરસાદ દરમિયાન નદીમાં પાણી આવેલું હોય તો લોકોએ ફરજિયાત એરપોર્ટ તરફથી લગભગ ૪ કિ.મી. નું અંતર કાપી શહેરની મુખ્ય બજારોમાં આવવું પડે છે. અને આ સ્થિતિ લગભગ છેલ્લા પોણા ચારેક વર્ષથી લોકો ભોગવી રહ્યા છે. ખાસ કરીને દર્દીઓ, વળદ્ધો, બાળકો, મહિલાઓ સહિતના લોકો માટે આ સ્થિતિ વિકટ બની જાય છે. ઉપરાંત દક્ષિણ થી ઉત્તર તરફ પસાર થતી નદીની વચ્ચેથી વચ્ચેથી બનાવવામાં આવેલ હોય અને આ નદીમાંથી પૂર્વ શહેર સહિત મોટાભાગ ના વિસ્તારો તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારો ના કુદરતની પાણીનો નિકાલ આ નદીમાંથી થતું હોય અંડર બ્રિજે નદીને અવરોધતા ચોમાસા ના પ્રથમ વરસાદથી જ શહેરના મોટાભાગના વિસ્તારો મા અસર જોવા મળે છે.
હાલ તો કરોડોના ખર્ચે તૈયાર થયા બાદ પણ આ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાવાના ઇસ્યુના કારણે લોકો અંદરથી પસાર થઈ શકે તેમ નથી. ત્યારે આ અંગે જાણકારો જણાવી રહ્યા છે કે, પૂર્વ – પશ્ચિમ તરફ અવન - જવન માટે મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા આ અંડર બ્રિજ મા શિયાળા અને ઉનાળા ની સિઝન ના કુલ ૮ માસ માટે તો સરળતાથી અવન-જવન થઈ શકશે પરંતુ જો પાણીના નિકાલ અંગેના અંગે કોઈ નક્કર પગલા લેવામાં નહીં આવે તો ચોમાસા ના ચાર માસ દરમિયાન દરમિયાન મેઘરાજા વારંવાર પૂર્વ તરફના પ્રવેશ દ્વારના દરવાજા બંધ કરતા રહેશે !!!
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
