News of Saturday, 11th October 2025
પડધરી ખોડિયાર હોટલ સામે ધોકા-પાઇપથી મારામારીઃ બે ઘવાયા
સિદ્દીકખાન અને અભજીત રાજકોટ સારવારમાં: જુના મનદુઃખને લીધે ડખ્ખો

રાજકોટ તા. ૧૧: પડધરીમાં ખોડીયાર હોટલ પાસે રાતે ધોકા-પાઇપથી મારામારી થતાં સામ સામે બે જણાને ઇજા થઇ હતી. જુના મનદુઃખને કારણે આ ડખ્ખો થયો હતો.
પડધરી મેમણવાસમાં રહેતો અને કરિયાણાની દૂકાન ચલાવતો સિદ્દીકખાન નઝીરખાન બ્લોચ (ઉ.વ.૩૦) રાતે સાડા બારેક વાગ્યે પડધરી ખોડિયાર હોટલ સામે ઇંૅડાની લારીએ નાસ્તો કરવા ગયો ત્યારે ગામના જ અભી, હરપાલસિંહ, હિતાંશે ધોકા-પાઇપથી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
સામા પક્ષે પડધરીમાં રહેતો અભીજીત અજીતભાઇ ડોડીયા (ઉ.વ.૧૭) પણ પોતાના પર સિદ્દીકખાન, નઝીરખાન, કાસમ સહિતે છરીથી હુમલો કર્યાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. સિદ્દીકખાનના કહેવા મુજબ અગાઉ પોતાને હરપાલસિંહ સાથે ગાળાગાળી બાબતે માથાકુટ થઇ હોઇ તેનું મનદુઃખ ચાલતું હતું. પોતે રાતે ખોડિયાર હોટલ સામે નાસ્તો કરવા ગયો ત્યારે આ બધા ત્યાં જ હોઇ ફરી ડખ્ખો થયો હતો અને હુમલો કરાયો હતો. .
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
