<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

જામનગરમાં જૈન મુનિશ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે વિશિષ્ટ પ્રવચન આપ્યું : " પ ફ બ ભ મ" પાંચ વ્યંજનનો ઉપયોગ ન કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નવો વિક્રમ નોંધાવ્યો

એક વિશ્વ રેકોર્ડ સર્જક ઘટના છોટી કાશી ગણાતા જામનગરમાં સર્જાઇ : જૈન મુનિશ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબને આ રેકોર્ડ સર્જવા બદલ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩ : જામનગરમાં ચાતુર્માસ અર્થે પધારેલ જૈન મુનિશ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે હકડેઠઠ મેદની ભરેલા ટાઉનહોલ ખાતે " આર્યાવર્તની ગરિમા" વિષયક એક વિશિષ્ટ પ્રવચન આપ્યું છે. આ પ્રવચન ની વિશિષ્ટતા એ છે કે લગભગ એક કલાકના પ્રવચન દરમ્યાન ક્યાંય પણ " પ ફ બ ભ મ" એ પાંચ વ્યંજન નો ઉપયોગ નહી કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નવો વિક્રમ નોંધાવ્યો છે.

ગુજરાતી ભાષામાં સ્વર અને વ્યંજન મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ક થી જ્ઞ સુધીના 42 અક્ષરોના વ્યંજન માં મુખ્યત્વે ઓષ્ઠ વ્યંજન કે, જેમાં  " પ ફ બ ભ મ" એ પાંચ શબ્દનો વધુ ઉપયોગ લોકો રોજબરોજની બોલચાલની ભાષામાં કરતા હોય છે. એક કલાકથી વધુ સમય આર્યભગતની ગરિમા અંગેના વ્યાખ્યાનમાં આ " પ ફ બ ભ મ" એ પાંચ ઓષ્ઠ વ્યંજનનો ઉપયોગ કર્યા વગર લોકોને ઉદબોદન કરી અભિભૂત કર્યા હતા. આ એક વિશ્વ રેકોર્ડ સર્જક ઘટના છોટી કાશી ગણાતા જામનગરમાં સર્જાઇ છે. જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા અનોખા રેકોર્ડ તરીકે નોંધવામાં આવી છે અને જૈન મુનિશ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબને આ રેકોર્ડ સર્જવા બદલ સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું છે. 

ટાઉનહોલ ખાતે રવિવારે ગુજરાતી ભાષાના મહત્વપૂર્ણ મનાતા જૈન મુનિશ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ સાહેબે આપેલા  " પ ફ બ ભ મ" એ પાંચ ઓષ્ઠ વ્યંજનનો ઉપયોગ કર્યા વગર આર્યવ્રતની ગરિમા અંગેના વ્યાખ્યાનને સાંભળી જામનગરના જૈન જૈનતર સમુદાયના લોકો અભિભૂત થયા હતા. આ પ્રસંગે જામનગરના કલેકટર કેતન ઠક્કર, મ્યુ. કમિશનર ડી.એન. મોદી, એસ.પી. રવિ મોહન સૈની સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર

(11:32 AM IST)