News of Monday, 13th October 2025
ખેડૂતો પર થતા અન્યાય મામલે ધ્રોલમાં ‘આપ' દ્વારા કાળી પટ્ટી સાથે રેલી-આવેદન
ધારાસભ્ય હેમંતભાઈ ખવા, વશરામભાઈ રાઠોડ સહિતના આગેવાનો, ખેડૂતો રેલીમાં ઉપસ્થિત રહ્યા, બોટાદની ઘટનાને પણ વખોડવામાં આવી :ધ્રોલમાં મામલતદારને આવેદનપત્ર આપી ‘૩૦૦ મણથી વધુ મગફળી ખરીદો અથવા ભાવંતર યોજના લાગુ કરો'ની માંગ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૩: સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મગફળીનું વિક્રમી ઉત્પાદન થવાની સંભાવના વચ્ચે, ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર સુપરત કરી સખ્ત રજૂઆત કરી હતી.
જેમાં ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારવા, ખરીદી કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવા અને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. બમણા રજીસ્ટ્રેશન સામે ખરીદીની મર્યાદાનો વિરોધ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું બમણું વાવેતર થયું છે અને ઉત્પાદન પણ બમણું થવાનો અંદાજ છે. જામનગર જિલ્લામાં પણ ગયા વર્ષના ૪૯,૦૦૦ ની સરખામણીમાં આ વર્ષે ૧,૦૨,૭૦૦ જેટલા ખેડૂત ખાતેદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ બમણા આંકડાને ટાંકીને ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે જો ખરેખર ખેડૂતોને યોગ્ય વળતર આપવું હોય તો ખેડૂત ખાતેદાર દીઠ ઓછામાં ઓછી ૩૦૦ મણથી વધુ મગફળીની ખરીદી કરવી જોઈએ. ભાવંતર યોજના લાગુ કરવા વૈકલ્પિક માંગ ખેડૂતોએ રજૂઆત કરી હતી કે જો ૩૦૦ મણથી વધારે ખરીદી શકય ન હોય, તો સરકારે તાત્કાલિક ભાવંતર યોજના લાગુ કરવી જોઈએ. આ અંતર્ગત, ખેડૂતે જે ભાવે મગફળી વેચી હોય તેમાં પ્રતિ મણ રૂ.૧૪૫૨ ના ટેકાના ભાવનો જે ભાવફેર રહે, તે રકમ ખેડૂતના ખાતામાં સીધી જમા કરાવવામાં આવે.
આ જ રીતે, જો સરકાર ૩૦૦ મણથી ઓછી ખરીદી કરે તો બાકીની મગફળી યાર્ડમાં કે વેપારીઓને વેચવા પરના ભાવફેરની રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવે, જેથી ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી રહે. ખરીદી કેન્દ્રો વધારવા અને સર્વેની માંગ ખેડૂતોએ જામનગર જિલ્લામાં તાલુકાવાર ખરીદી કેન્દ્રોની સંખ્યા એકથી વધારીને રજીસ્ટ્રેશનની સંખ્યાના આધારે ૨ થી ૩ કરવાની પણ માંગ કરી છે. કેન્દ્રો વધવાથી ખેડૂતોની હાલાકી દૂર થશે અને મગફળીની ખરીદી ઝડપી બનશે, જેનાથી વાહન વ્યવહાર અને અન્ય ખર્ચ બચાવી શકાશે.
આ ઉપરાંત, તાજેતરમાં કમોસમી પાછતરા વરસાદથી મગફળી અને કપાસના પાકને થયેલા નુકશાનનો તાત્કાલિક યોગ્ય સર્વે કરાવીને વળતર ચૂકવવા માટે પણ આવેદનપત્રમાં ભારપૂર્વક માંગણી કરવામાં આવી હતી. ધ્રોલ મામલતદારને આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
