<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

બાઇકની ખરાબ બેટરી બદલવાના ડખ્‍ખામાં જસદણમાં હિતેષભાઇ તેરૈયા અને પુત્ર કશ્‍યપ પર છરીથી હુમલો

કશ્‍યપને માથામાં ઇજાઃ પિતા હિતેષભાઇને પગમાં છરી સોંસરવી નીકળી ગઇઃ બેટરીવાળા કિશન રવૈયા, મંથન, રાજ સહિતના તૂટી પડયાઃ પિતા-પુત્રને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૪: જસદણમાં વિછીયા રોડ પર આનંદધામ સોસાયટીમાં રહેતાં હિતેષભાઇ હરિશંકરભાઇ તેરૈયા (ઉ.વ.૪૫) અને તેમના પુત્ર કશ્‍યપ હિતેષભાઇ તેરૈયા (ઉ.વ.૨૫) પર રાતે અગીયારેક વાગ્‍યે જસદણના રઘુવીર ગેસ્‍ટહાઉસ પાસે ગામના જ કિશન રવૈયા, મંથન, રાજ અને અજાણ્‍યાએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં પગમાં, માથામાં ઇજાઓ થતાં પિતા-પુત્રને જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. બાઇકની ખરાબ નીકળેલી બેટરી બદલવા મામલે આ ડખ્‍ખો થયો હતો.

હિતેષભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે અને તેનો પુત્ર કશ્‍યપ સેલ્‍સમેન તરીકે કામ કરે છે. કશ્‍યપે જણાવ્‍યું હતું કે મેં થોડા સમય પહેલા કિશન રવૈયા કે જેની ગામમાં બેટરીની દૂકાન છે ત્‍યાંથી બાઇકની બેટરી લીધી હતી. પરંતુ તે ખરાબ નીકળતાં બદલવા માટે પાછી આપી હતી. પરંતુ દસ-બાર દિવસ થઇ જવા છતાં તેણે બેટરી બદલી આપી નહોતી. આ પછી તેણે બેટરી બદલી આપવા ફોન કરતાં કિશને હવે તારી રીતે બીજી લઇ લે, તે જે રીપ્‍લેસ માટે આપી છે તે બેટરી ભુલી જાજે તેમ કહી દેતાં બોલાચાલી થઇ હતી.

બાદમાં ગત રાતે કિશને અને મંથને સમાધાનની વાત કરવા આવ તેમ કહી ફોન કરતાં પોતે અને તેના પિતા હિતેષભાઇ સહિતના રઘુવીર ગેસ્‍ટહાઉસ પાસે જતાં જ આ બધા તૈયારી સાથે ઉભા હોઇ છરીથી હુમલો કરી દીધો હતો. જેમાં તેના પિતા હિતેષભાઇના પગના પોંચા પાસે એવો ઘા ઝીંકાયો હતો કે છરી સોંસરવી નીકળી ગઇ હતી. આ છરી સાથે જ તેમને જસદણ હોસ્‍પિટલે અને ત્‍યાંથી રાજકોટ ખસેડાયા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે. 

(11:48 AM IST)