News of Tuesday, 14th October 2025
દિકરીને દિવાળી કરવા તેડવા આવેલા ખોડાભાઇનું બસમાંથી ઉતરતાં મોત
સાયલાના વાટાવસથી નવાગામ આવી રહ્યા હતાં: કુવાડવા ચોકી પાસે બનાવ પડી જતાં ઇજા પહોંચીઃ સારવાર દરમિયાન દમ તોડયોઃ કોઇ વાહને ઠોકરે લીધાની શંકા દર્શાવાતાં પોલીસ તપાસ

રાજકોટ તા. ૧૪: સાયલાના વાટાવસ ગામના ખોડાભાઇ ભીખાભાઇ ગણતીયા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ કુાવડવા પોલીસ ચોકી પાસે એસટી બસમાંથી ઉતર્યા બાદ પડી જતાં ઇજા થતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં પોતાના દિકરીને દિવાળીનો તહેવાર કરવા માટે તેડવા આવ્યા હતાં અને આ બનાવ બન્યો હતો. જાણવા મળ્યા મુજબ ખોડાભાઇ ગણતીયા ગઇકાલે પોતાના ગામથી રાજકોટના નવાગામ સાસરે રહેલી દિકરી સોનલબેનને તેડવા આવ્યા હતાં. કુવાડવા પોલીસ ચોકી પાસે બસમાંથી ઉતર્યા ત્યાં જ પડી જતાં ઇજા થઇ હતી અને સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર ખોડાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. તેમના સાઢુ સાર્દુલભાઇના કહેવા મુજબ ખોડાભાઇ બસમાંથી ઉતર્યા ત્યારે એક ફોરવ્હીલ નીકળી હતી, તેના ચાલકે ઠોકરે લઇ લીધાની શંકા છે. કુવાડવા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
