<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

મોરબીના દલવાડી સર્કલે તૂટેલા નાલા મામલે નારાજ સ્થાનિકોનો ચક્કાજામ: રામધુન બોલાવી વિરોધ.

બાયપાસ રોડ હોવાથી ભારે વાહનો સહિતના વાહનોની સતત અવરજવર રહેતી હોય ચક્કાજામને પગલે વાહનોના પૈડા થંભી ગયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીનું નીમ્ભર તંત્ર નાગરિકોની રજૂઆત કાને લેતું ના હોય અને હવે નાગરિકો આંદોલન વિના કામ નહિ જ થાય તે સમજી ચુક્યા હોય ચક્કાજામ આંદોલનનો સિલસિલો જોવા મળતો હોય છે દલવાડી સર્કલ ખાતે સ્થાનિકોએ તૂટેલા નાલા મામલે આજે ચક્કાજામ કરી દીધો હતો જેથી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
મોરબીના દલવાડી સર્કલ પાસે રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે તેમજ એક નાળું તૂટેલી હાલતમાં હોવાની સ્થાનિકોએ અગાઉ તંત્રને રજૂઆત કરી હતી છતાં કોઈ કામગીરી કરવામાં આવી ના હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આજે સ્થાનિકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું સાંજે દલવાડી સર્કલ પાસે ચક્કાજામ કરી દીધો હતો અને રોડ પર બેસી મહિલાઓએ રામધુન બોલાવી હતી દલવાડી સર્કલ આસપાસ આવતી સોસાયટી અને વાડી વિસ્તારના રહીશોએ ચક્કાજામ કરી દીધો હતો બાયપાસ રોડ હોવાથી ભારે વાહનો સહિતના વાહનોની સતત અવરજવર રહેતી હોય છે અને ચક્કાજામને પગલે વાહનોના પૈડા થંભી ગયા હતા.

(10:32 PM IST)