<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

સ્‍વ સહાય જૂથોથી મહિલાઓનું જીવનધોરણ ઉંચુ આવ્‍યું : પરબતભાઇ પરમાર

પોરબંદર ચોપાટી ગ્રાઉન્‍ડમાં સ્‍વદેશી મેળાનો પ્રારંભ : દિવાળીના તહેવારોમાં જામ્‍યો સ્‍વદેશીનો રંગ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૫: મહાનગરપાલિકા તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા આયોજિત ‘સ્‍વદેશી મેળો-૨૦૨૫' (શોપિંગ ફેસ્‍ટિવલ) જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારની વિશેષ ઉપસ્‍થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારે જણાવ્‍યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વ હેઠળ સરકારશ્રીનો સંકલ્‍પ છે કે ‘હર હાથ ને કામ મળે'- આ ઉદ્દેશ્‍યને સાકાર કરવા માટે સરકાર દ્વારા લોન સહાય સહિતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે જણાવ્‍યું હતું કે મહિલા સશક્‍તિકરણની દિશામાં સરકારશ્રી દ્વારા અમલમાં મુકાયેલ સખી મંડળ અને સ્‍વસહાય જૂથો થકી મહિલાઓનું જીવનધોરણ સુધર્યું છે. અંતે તેમણે નાગરિકોને સ્‍વદેશી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.

પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્‍યા ત્‍યારથી જ સ્‍વદેશી અપનાવવાનો આગ્રહ રાખ્‍યો છે. તેમણે દેશ અને વિશ્વના ઇતિહાસ તથા આર્થિક સમીકરણોના ઉદાહરણો આપી સ્‍વદેશી વિચારધારાનો દેશહિતમાં રહેલો ઉદ્દેશ્‍ય સ્‍પષ્ટ કર્યો હતો. અંતે તેમણે નાગરિકોને વિદેશી વસ્‍તુઓનો ઉપયોગ ટાળવા, સ્‍વદેશી વસ્‍તુઓ અપનાવવા તેમજ વ્‍યસનમુક્‍ત રહી સતત પ્રગતિના માર્ગે આગળ વધવા માટે સંકલ્‍પ લેવાનો આહવાન કર્યું હતું.

મ્‍યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ ઉપસ્‍થિત મહાનુભાવોનુ સ્‍વાગત કરતાં જણાવ્‍યું હતું કે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ તથા વિકાસ સપ્તાહ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત પોરબંદરમાં અનેક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું કે રાજ્‍ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સ્‍વદેશી મેળો સ્‍થાનિક ઉદ્યોગો અને સ્‍વસહાય જૂથોને નવી પ્રેરણા આપશે. સાથે મેળામાં ભાગ લેનાર તમામ સ્‍વસહાય જૂથોને તેમણે અભિનંદન પાઠવ્‍યા હતા.

આ સ્‍વદેશી મેળામાં વિવિધ સ્‍વરોજગારી જૂથો દ્વારા હસ્‍તકલાના ઉત્‍પાદનો, ઘરગથ્‍થુ વાનગીઓ, કપડાં, હેન્‍ડમેઇડ વસ્‍તુઓ, સુશોભન સામગ્રી સહિતના અનેક પ્રકારના સ્‍થાનિક ઉત્‍પાદનોનું પ્રદર્શન અને વેચાણ માટે સ્‍ટોલ ફાળવવામાં આવ્‍યા છે. શહેર મામલતદાર ભરતભાઈ સંચાણીયા,નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હર્ષ પટેલ અગ્રણી લખનસીભાઈ ગોરાણીયા,સહિત અધિકારીઓ, સ્‍ટોલ ધારકો અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:07 AM IST)