<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

પાલીતાણા શ્રી કાલભૈરવ પીઠ ખાતે તા. ૧૯ ના કાળી ચૌદશે મહાયજ્ઞ-પૂજન-અર્ચન-મહાપ્રસાદ

આચાર્યશ્રી રમેશભાઇ શુકલની રાહબરી હેઠળ આયોજન : રાત્રીના મહાભોગમાં નૈવેદ્ય, લાડવા, લાપસી, વડા, ગળ્‍યા પૂડલા, તીખા પૂડલા, રોટલી, પુરી, ખીર, ખીચડી, અડદનું સાચર પુરાશે : આ મહાયજ્ઞમાં ૩૫ મણ તલ, સોમણ લાકડા (કાસ્‍ટ), પ હજાર શ્રીફળ, પ હજાર લીંબુ, ૧૫ ડબ્‍બા સરસવનું તેલ તેમજ સોપારી, લવીંગ, કમળ કાકડી અને ૨૦ કિલો સુકા લાલ મરચાનો ઉપયોગ કરાશે

રાજકોટ તા. ૧૭ : ભારતમાં કાલભૈરવના ત્રણ મોટા મંદિરો કાશી બનારસ, ઉજજૈન અને પાલીતાણામાં આવેલા છે. કાશી બનારસના ક્ષેત્રપાલ (રક્ષક) દેવ કાલભૈરવ છે. ઉજજૈનનગરીના ક્ષેત્રપાલ કાલભૈરવ છે. એજ રીતે પાલીતાણાનું કાલભૈરવ મંદિર ભૂતપૂર્વ મહારાજા સર માનસિંહજી ગોહીલે ૧૮૯૦માં શ્રાવણ વદ આઠમના પ્રાણપ્રતિષ્‍ઠા કરી લોકદર્શન માટે ખુલ્લુ મુકેલું. જેને ૧૩૬ વર્ષ પુરા થાય છે.

પાલીતાણામાં આવેલ આ શ્રી કાળભૈરવ મંદિરે આગામી તા. ૧૯ના રવિવારે કાલરાત્રીના યજ્ઞ સિંદુરનું આયોજન થયુ છે. યજ્ઞ પ્રારંભ સવારના ૮ થી વાગ્‍યાથી થશે અને રાત્રીના ૧૨ વાગ્‍યા સુધી ચાલશે. તેમ આચાર્ય શ્રી રમેશભાઇ શુકલની યાદીમાં જણાવાયુ છે.

વિશાળ મંદિરમાં ભગવાનની ૮ ફુટ લંબાઇની પ્રતિમા છે. અદ્દભૂત શિલ્‍પ ધરાવે છે. દર્શન માત્રથી શાંતિની અનુભૂતિ થાય તેવા આ મંદિરે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ કાળી ચૌદશના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

રાત્રીના મહાભોગમાં નૈવેદ્ય, લાડવા, લાપસી, વડા, ગળ્‍યા પૂડલા, તીખા પૂડલા, રોટલી, પુરી, ખીર, ખીચડી, અડદનું સાચર પુરવામાં આવે છે. આ મહાયજ્ઞમાં ૩૫ મણ તલ, સોમણ લાકડા (કાસ્‍ટ), પ હજાર  શ્રીફળ, પ હજાર લીંબુ, ૧૫ ડબ્‍બા સરસવનું તેલ તેમજ સોપારી, લવીંગ, કમળ કાકડી અને ૨૦ કિલો સુકા લાલ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મમાં ચાર રાત્રીનું મહત્‍વ છે. (૧) શિવરાત્રી, (ર) નવરાત્રી, (૩) મોહરાત્રી (જન્‍માષ્‍ટમી) અને (૪) કાલરાત્રી (કાળી ચૌદશ).

શિવરાત્રી - જીવ અનેક જન્‍મોથી ભ્રમણ કરે છે. શિવસાથે મિલન કરવુ એ શિવરાત્રીનું મહત્‍વ છે.

નવરાત્રી - આપણા કુળદેવીની ઉપાસના કરવામાં આવે છે. શક્‍તિ પ્રાપ્‍ત કરવા માટેનું અનુષ્‍ઠાન એટલે નવરાત્રી.

મોહરાત્રી - જન્‍માષ્‍ટમી ભગવાન દ્વારકાધીશ આ ધરતી પર અવતર્યા અને અસુરોનો સંહાર કરવા માટે જગતને મોહમાં બંધન કર્યુ. એ જન્‍માષ્‍ટમીનું મહાત્‍ય છે.

કાલરાત્રી - કાળી ચૌદશ. જેનો અવાજ બુલંદ છે એવા ભૌરવદાદા. શિવપુરાણના  આધારે શ્રી કૈલાસ ઉપર દેવતાઓની સભા ભરાય છે. ત્‍યારે તમામ દેવતા બેઠા હોય છે. ભગવાન બ્રહ્મા બેઠા છે. ભગવાન વિષ્‍ણુ અને ભગવાન શિવજીની પણ હાજરી છે. ઇન્‍દ્ર મહારાજ પણ બેઠા છે. એમાં યમરાજ આવીને બોલે છે તમો દેવતાઓ ખરા પણ તમારાથી કોઇ ડરે નહી. જયારે હું તો કાલ છુ. જગત આખું મારાથી ડરે. આવું વારંવાર બોલતા હતા. શ્રી ભૈરવજી શિવજી પાછળ ઉભા હતા એમણે મૃત્‍યુદેવને કહ્યુ ચુપ થઇ જાવ. છતા યમરાજ તો બોલતા રહ્યા. શ્રી ભૈરવજીને ક્રોધ આવ્‍યો. યમરાજનું ગળુ દબાવી દીધુ અને ઉંચા પકડી રાખ્‍યા. જગતમાં હાહાકાર મચી ગયો. મૃત્‍યુ દેવનું સંચાલન અટકી ગયુ. તમામ દેવતાઓએ ભૈરવજીને પ્રાર્થના કરી છતા ભૈરવજી કોઇનું માન્‍યા નહી. છેલ્લે શિવભગવાને શ્રી ભૈરવજીને કીધુ ભૈરવ છોડદો ઉસે. ભેરવજીએ મૃત્‍યુદેવને છોડી દીધા. બ્રહ્માજીએ શ્રી ભૈરવનું નામ શ્રી કાલભૈરવ રાખ્‍યુ. નેમને કાલ ઉપર વિજય પ્રાપ્‍ત કર્યો હોવાથી એ શ્રી કાલભૈરવ કહેવાણા.

સાધકોના દેવ કાલભૈરવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સંકટો દુર થાય છે. પાલીતાણા કાલભૈરવ પીઠમાં જે મહાયજ્ઞ થાય છે તેની વિશિષ્‍ટતા એ છે કે ભારતનો અહીં મોટામાં મોટો યજ્ઞ કુંડ છે. જેને પદ્મકુંડ કહેવાય છે. જે કુંડમાં યજ્ઞ કરવાથી રાજયોગ મળે છે. સત્તા પ્રાપ્‍ત થાય છે. ત્રિકોણ કુંડમાં યજ્ઞ કરવાથી શત્રુ મર્દન થાય છે. અર્ધચંદ્રકુંડમાં યજ્ઞ કરવાથી રોગોનો નાશ થાય છે. ચતુષ્‍ટ કુંડમાં યજ્ઞ કરવાથી સુખ અને શાંતિ મળે છે. અષ્‍ટદલ કુંડમાં યજ્ઞ કરવાથી શક્‍તિ પ્રાપ્‍ત થાય છે.

ભારતમાં ૫૨ શક્‍તિપીઠ આવેલ છે. તેમાની એક શક્‍તિ પીઠ ઉપર શ્રી ભૈરવની ચોકી છે. અષ્‍ટ ભૈરવમાં (૧) શ્રી કપાલ ભૈરવ, (ર) શ્રી ક્રોધ ભૈરવ, (૩) શ્રી ચંડ ભૈરવ, (૪), શ્રી રૂદ્ર ભૈરવ, (૫), શ્રી અસિતાંગ ભૈરવ, (૬) શ્રી ઉન્‍ન્‍મત ભૈરવ, (૭) શ્રી ભીષણ ભૈરવ, (૮) શ્રી સંહાર ભેરવ, (૯) શ્રી બટુક ભૈરવ, (૧૦) શ્રી મહાકાલેશ્વર ભૈરવ.

પાલીતાણા ખાતે તા. ૧૯ ના કાળી ચૌદશના મહાયજ્ઞનનું આયોજન થયુ છે. જેમાં સૌએ દર્શન મહાપ્રસાદનો લાભ લેવા આચાર્ય શ્રી રમેશભાઇ શુકલ (મો.૯૪૨૬૪ ૬૮૮૩૬) શ્રી કાલભૈરવ પીઠ, પાલીતાણા (ભાવનગર) દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે. 

(2:02 PM IST)