News of Saturday, 18th October 2025
કચ્છમાં ખેતરોમાંથી બળજબરીપૂર્વક વીજ લાઇન પસાર કરવા મુદ્દે કિસાન સંઘ આકરા પાણીએ: ભુજમાં એક લાખ ખેડૂતોની મહાસભાનું એલાન
અદાણીની ખાવડા હળવદ વીજ લાઈન સામે જંગી મેકણદાદાના અખાડેથી કિસાન આંદોલનનું બ્યુગલ, પોલીસ, વહીવટી તંત્ર અને ખાનગી કંપનીની દાદાગીરી અને સરકારના મૌન સામે કિસાનોની જનજાગૃતિ રેલી ૬૦૦ ગામોમાં ફરશે, ભુજમાં એક લાખ ખેડૂતો ભેગા થશે, હક્ક માટે શહીદી નહીં વહોરીએ પણ સરકારને શહીદ કરીશું, કોંગ્રેસ, આપ ખેડૂતોની પડખે, ભાજપના નેતાઓ ગુમ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : દિવાળીના તહેવારો દરમ્યાન એક બાજુ ગુજરાત સરકારનો કાયાકલ્પ થયો છે બીજી બાજુ તહેવારો વચ્ચે કચ્છમાં ધરતીપુત્ર કિસાનો આંદોલન સાથે રસ્તા ઉપર મજબૂર છે. કચ્છના ખાવડાથી સૌરાષ્ટ્રના હળવદ સુધી ૭૫૦ કેવી હાઇટેશન વીજ લાઇનના ટ્રાન્સફોર્મર લાઇન નાખવા બાબતે બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં કંપની ઘૂસી કામ કરી રહી છે. ખેડૂત પુરુષો અને મહિલા બંને સામે બળપ્રયોગ કરાઇ રહ્યો છે. બે મહિના થયા ભચાઉના વાંઢિયા વિસ્તારમાં હાલ ખેડૂતો સહપરિવાર રસ્તા ઉપર છે. કચ્છ કિસાન સંઘ આ ખેડૂતોની વહારે આવ્યો છે અને નજીકના જંગી ગામે આવેલ પ્રસિદ્ધ સંત દાદા મેકણના અખાડાથી અદાણી કંપની અને સરકારી તંત્રના બળપ્રયોગ સામે આંદોલનનું બ્યુગલ ફુક્યું છે. લડત સમિતિના કન્વીનર કિસાન સંઘના પૂર્વ પ્રમુખ શિવજી બરાડિયાએ હુંકાર કર્યો હતો કે પુરુ વળતર ચૂકવાશે નહીં તો ખેડૂતો કામ કરવા નહીં દે. જંત્રી નહીં પણ બજાર કિંમતે ખેડૂતોને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. હાઈટેશન વીજ લાઈન થકી ખેતી માટે વર્તમાન અને ભવિષ્યમાં ભારે નુકસાન છે એ સમજવું જોઈએ. તંત્ર અને પોલીસ દ્વારા પુરુષો અને મહિલાઓ ઉપર દમન કરવાના કૃત્યને વખોડતા કિસાન આગેવાન શિવજી બરાડિયાએ ચેતવણી આપી હતી કે હક્ક માટે કિસાનો શહીદી નહીં વહોરે પણ સરકારને શહીદ કરશે. ભૂતકાળમાં સરકારો ખેડૂતોના ગુસ્સાથી ઘર ભેગી થઈ છે. ભારતીય કિસાન સંઘના વર્તમાન જિલ્લા પ્રમુખ કરમણ ગાગલ અને અન્ય કિસાન આગેવાનોએ કિસાન જન જાગૃતિ અભિયાન રથનો પ્રારંભ કરાવ્યો હતો. કચ્છના ૬૦૦ ગામોમાં આ રથ ફરશે અંતે ભુજમાં એક લાખ ખેડૂતોની મહાસભા યોજાશે. જોકે, કચ્છમાં ખેડૂતો સામે તંત્રના બળ પ્રયોગ અને અદાણી કંપનીની દાદાગીરી સામે કોંગ્રેસ તેમ જ આપ ખેડૂતોને ટેકો આપી ચૂકી છે. જ્યારે ભાજપના નેતાઓ ગુમ છે.
(8:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
