News of Saturday, 18th October 2025
સુરેન્દ્રનગર જીલ્લામાં ૩ અકસ્માત : ૧નું મોત : ૮ને ઇજા
સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા, હળવદ-ધ્રાંગધ્રા અને લખતર - વિરમગામ હાઇવે ઉપર દુર્ઘટના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે, ધ્રાંગધ્રા-હળવદ રોડ અને લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતના ત્રણ બનાવો બન્યા છે. જેમાં સુરેન્દ્રનગર ખરીદી કરી રિક્ષામાં પરત ધ્રાંગધ્રા જતા પરિવારને ખાંભડા-નવલગઢ વચ્ચે અકસ્માન નડતા ૭ વર્ષીય બાળકીનું મોત થયુ છે. જયારે લખતર-વિરમગામ હાઈવે પર બે બાઈક અથડાતા ૪ વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. ધ્રાંગધ્રાની તળાવ શેરીમાં આવેલ સુથારની ડેલીમાં ૪૨ વર્ષીય યોગેશભાઈ ગણપતભાઈ પીઠવા રહે છે. ગત તા. ૧૩મીએ તેઓ પત્ની કૈલાસબેન અને બે પુત્રી જેનીશા અને હેત્વી સાથે સુરેન્દ્રનગર ખરીદી કરવા ગયા હતા. જયાંથી સાંજના સમયે રિક્ષા ભાડે કરીને તેઓ ધ્રાંગધ્રા પરત જતા હતા. ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર ખાંભડા અને નવલગઢ વચ્ચે રસ્તા વચ્ચે એક ટ્રેકટર ઉભુ હતુ. આથી રિક્ષા ચાલકે સાઈડમાંથી રિક્ષા પસાર કરવા જતા સામેથી આવતા સુપરકેરીના ચાલકે રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો. જેમાં દંપતી અને બે દિકરીઓ રિક્ષામાંથી બહાર ફેંકાઈ હતી. જેમાં ચારેયને ઈજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. જેમાં ૭ વર્ષીય હેત્વીને માથાના ભાગે વધુ ઈજા થવાથી મોત થયુ હતુ. આ અંગે યોગેશભાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ટ્રેકટર, રિક્ષા અને સુપરકેરીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી ડી.પી.વાઘેલા ચલાવી રહ્યા છે.
લખતર-વિરમગામ હાઈવે પર ગેથળા હનુમાનજી મંદીર પાસે ૨ બાઈક એક બીજા સાથે અથડાયા હતા. આ અંગે ૧૦૮ને જાણ થતા તુરંત દોડી જઈ ઈજાગ્રસ્તો કનુભાઈ રૂપસંગભાઈ ઠાકોર, ગીતાબેન બચુભાઈ ધામેચા, જયાબેન બચુભાઈ ધામેચા અને મુકેશ ખોડાભાઈ મકવાણાને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની જાણ થતા લખતર પોલીસે દોડી જઈ ઈજાગ્રસ્તોના નીવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રાના ઉમીયા પાર્ક પાછળ આવેલ એલઆઈસી બ્લોકમાં રહેતા રામચંદ્ર જગદીશચંદ્ર આચાર્ય ફલોર મિલ ચલાવે છે. તેમના પિતા નીવળત શિક્ષક જગદીશચંદ્ર તા. ૧૩-૧૦ના રોજ વહેલી સવારે બાઈક લઈને હળવદ રોડ પર જતા હતા. જેમાં ધ્રાંગધ્રાના તક્ષનંદીની કોમ્પલેક્ષ પાસે વળવા માટે તેઓએ બાઈક ધીમુ કરતા પાછળથી આવતી રિક્ષા તેમની સાથે અથડાઈ હતી. અને તેઓ બાઈક સાથે રસ્તા પર પટકાયા હતા. જેમાં અકસ્માત કરનાર રિક્ષાના ચાલક તેઓને રિક્ષામાં ધ્રાંગધ્રા સરકારી દવાખાને લઈ ગયા હતા. જયાંથી તેઓને સુરેન્દ્રનગર રીફર કરાયા છે. આ અંગે રામચંદ્ર આચાર્યે રિક્ષા ચાલક સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એ. એ. ચીહલા ચલાવી રહ્યા છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
