<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ધ્રોલના મોટા ઈટાળામાં ધનતેરસની ભવ્ય ઉજવણી: આયુષ્માન આરોગ્ય મંદિરમાં ધનવંતરી યજ્ઞ યોજાયો

ધાર્મિક પ્રસંગે મંત્રોચ્ચાર સાથે ભગવાન ધનવંતરીની પૂજા-અર્ચના કરાઈ : સ્વાસ્થ્ય તથા સમૃદ્ધિ માટે આહુતિઓ આપવામાં આવી

 ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે આયુર્વેદના અધિષ્ઠાતા ભગવાન શ્રી ધનવંતરીના પ્રાગટ્ય દિવસ, ધનતેરસના પવિત્ર અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા ઈટાળા ખાતેના આયુષ્માન આરોગ્ય મંદિર (આયુષ) માં તા. 18/10/25ના રોજ દવાખાનાના મેડિકલ ઓફિસર ડો. જે.પી. સોનગરા દ્વારા ધનવંતરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

   આ ધાર્મિક પ્રસંગે મંત્રોચ્ચાર સાથે ભગવાન ધનવંતરીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને સ્વાસ્થ્ય તથા સમૃદ્ધિ માટે આહુતિઓ આપવામાં આવી હતી. આ યજ્ઞમાં આયુર્વેદના જ્ઞાન અને સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
   આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા (76 કાલાવડ) એ વિશેષ હાજરી આપી હતી. તેમની સાથે ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ નવલભાઈ મુંગરા, પંચાયતના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા, મનસુખભાઈ ભંડેરી અને મોટા ઈટાળાના સરપંચ વિજયભાઈ ભંડેરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ યજ્ઞમાં ધનવંતરી મંત્ર દ્વારા આહુતિ આપીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.
આ શુભ પ્રસંગે મોટા ઈટાળાના ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક યજ્ઞમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જે ગ્રામજનોની ધર્મ પ્રત્યેની આસ્થા અને સામૂહિક ભાવના દર્શાવે છે.( સંજય ડાંગર ધ્રોલ) 


 

(10:46 PM IST)