News of Sunday, 19th October 2025
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન પામેલા ધારાસભ્ય રિવાબા જાડેજા મંત્રી પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત જામનગર પહોંચતા ભવ્ય અને અદકેરું સ્વાગત
જામનગર ઉત્તરના ધારાસભ્ય અને નવનિયુક્ત રાજ્ય કક્ષાના મંત્રી રિવાબાનું ગુલાબ નગર વિસ્તારમાં રાજપૂત સમાજ, રાજપૂત સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો અને શહેર ભાજપના કોર્પોરેટરો-કાર્યકરો દ્વારા ઢોલ-નગારા, આતશબાજી અને પુષ્પવૃષ્ટિથી સ્વાગત : શ્રીમતી રિવાબાએ આભાર વ્યક્ત કરી સૌનો પ્રતિભાવ ઝીલ્યો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. ૧૮ ઑક્ટોબર: ગુજરાત રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન પામેલા જામનગર ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ગાંધીનગરમાં પોતાના ખાતાનો ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત જામનગર આવી પહોંચ્યા હતા, ત્યારે તેમનું શહેરમાં ભવ્ય અને અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મંત્રી પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત વતન આવેલા રિવાબા જાડેજાનું સ્વાગત કરવા માટે જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ સ્વાગત સમારોહમાં રાજપૂત સમૂહ લગ્ન સમિતિના તમામ હોદ્દેદારો, રાજપૂત સમાજના વિશાળ સંખ્યામાં કાર્યકરો, તેમજ જામનગર શહેર ભાજપના સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો અને અન્ય કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાનું આ ભવ્ય સ્વાગત આતશબાજી અને ઢોલ નગારાના તાલ સાથે કરવામાં આવ્યું હતું, અને શુભેચ્છકો દ્વારા તેમના પર ભારે પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી હતી.
નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ આ તકે તમામ શહેર ભાજપના કાર્યકર્તાઓ, તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ સહિત ઉપસ્થિત સૌ કોઈનો આભાર વ્યક્ત કરી ઉમળકાભેર પ્રતિભાવ આપ્યો હતો.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
