News of Monday, 20th October 2025
રાત્રે દ્વારકામાં હાટડી દર્શન : શ્રી દ્વારકાધીશ ભગવાન બનશે શામળા શેઠ
દિપાવલી પર્વ નિમિતે સોના-ચાંદી-હિરાજડીત આભુષણોનો શણગાર : રજામાં ભાવિકો ઉમટશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ર૦ : આજરોજ દ્વારકાધીશ મંદિરે દિપાવલી પર્વ નિમિત્તે ઠાકોરજીને સોનેરી રંગના વિશેષ વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હિરાજડિત આભુષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શગણાર કરવામાં આવશે. નિજ મંડપમાં રંગોળી કરી પૂજારી પરિવાર દ્વારા દિપમાલા દર્શન યોજવામાં આવશે.
દ્વારકાધીશ મંદિરમાં આજે જગતમંદિરમાં રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ ઊજવાશે. આજે રાત્રિના જગતમંદિરમાં હાટડી દર્શન યોજાશે જેમાં શ્રી દ્વારકાધીશજી શામળા શેઠ સ્વરૂપ ધારણ કરી વેપાચારી બનશે. ઠાકોરજીને તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરી ત્રાજવા તોલા સાથે બિરાજી ચોપડા પૂજન તેમજ લક્ષ્મી સ્વરૂપના સોના - ચાંદીના સિકકાનું પૂજન કરવામાં આવશે. સવારે ૫.૩૦ કલાકે મંગલા આરતી તેમજ સાંજે ૮.૧૫ કલાકે હાટડી દર્શન તેમજ દિપમાલા દર્શન યોજવામાં આવનાર છે. જગતમંદિરમાં આવતીકાલ તા.ર૧મી ઓકટોબરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે ગોવર્ધન પૂજા યોજાશે બાદ સાંજે ૫ થી ૭ અન્નકૂટ મહોત્સવ યોજાશે. તા.રરમી ઓકટોબરે નૂતન વર્ષ તેમજ ર૩મી ઓકટોબરે ભાઈબીજ પર્વની ઊજવણી કરવામાં આવનાર છે. દિપાવલી પર્વ દરમ્યાનના તહેવારોમાં ઠાકોરજીના દિવ્ય દર્શનનો લાભ હજારો પ્રત્યક્ષ ભાવિકોને થશે તેમજ ઓનલાઈનના માધ્યમોથી પણ લાખો કળષ્ણભકતો નિહાળશે.
માનવ મહેરામણ ઉમટયો
ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં રાજ્યમાં સર્વત્ર સારો વરસાદ થયો છે ત્યારે આગામી દિવાળીના તહેવારોમાં દેશના પશ્ચિમ છેવાડે આવેલ યાત્રાધામ દ્વારકામાં દિવાળીના મીની વેકેશનમાં હોટલ ગેસ્ટહાઉસમાં નવા વર્ષમાં ચિકકાર બુકીંગ નોંધાયા હોય યાત્રાધામમાં ભાવિકો તથા સહેલાણીઓની વ્યાપક ભીડભાડ જોવા મળશે. રાજ્ય સરકારે શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરેલ હોય આશરે એક પખવાડિયા સુધી યાત્રાધામ દ્વારકા ઉપરાંત નાગેશ્વર જયોર્તિલિંગ, બેટ દ્વારકા, શિવરાજપુર બ્લ્યુ ફલેગ બીચ, હર્ષદ (ગાંધવી), ગોપી તળાવ વગેરે ધાર્મિક સ્થળો તેમજ પર્યટન સ્થળો પર વ્યાપક ભીડભાડ જોવા મળશે. આ વર્ષે સુદર્શન સેતુ પણ દર્શનીય સ્થળોમાં શામેલ થયું હોય ત્યારે સહેલાણીઓ અને મુલાકાતીઓ માટે બેટ દ્વારકા યાત્રા વધુ સુગમ બનવા સાથે સુદર્શન સેતુની મુલાકાત લેતાં જોવા મળશે. આ ઉપરાંત શિયાળાની શરૂઆત થઈ રહી હોય ત્યારે શિવરાજપુર બીચમાં સ્કૂબા ડાઈવીંગ, બેટ દ્વારકામાં ડોલ્ફીન વ્યુઈંગ વગેરેની પણ સીઝન આવી રહી હોય ત્યારે સમગ્ર ઓખામંડળમાં આગામી પખવાડિયું યાત્રીકો અને સહેલાણીઓની ભીડભાડવાળું રહેનાર હોય સ્થાનીય વેપારીઓમાં પણ સારા વેપારની આશા બંધાઈ છે.
ધનતેરસ પર્વની ઊજવણી
દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે દિપાવલી પર્વના ઉત્સવો નિમિત્તે ધનતેરસ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. અને દ્વારકાધીશ મંદિરમાં પણ ધનવન્તરી પૂજા અન્વયે ઠાકોરજીને લીલા વાઘા પરિધાન કરાવવામાં આવ્યા હતા તેમજ લીલા રંગને વિશેષ પ્રાધાન્ય રહેલું હોય ઠાકોરજીને ધરાવવામાં આવતાં ભોગમાં પણ લીલા પકવાન, ભોગ ધરાવવામાં આવ્યા હતા. ધનતેરસ નિમિત્તે ઠાકોરજી વિશિષ્ટ શળંગાર મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
