તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 21st October 2025
મોરબીમાં દિવાળી અનુસંધાને ફાયર બ્રિગેડના 21 જવાનો ખડેપગે રહેશે.
ફાયર સ્ટેશન, નવા બસસ્ટેન્ડ અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે ત્રણ ટીમો રહેશે તૈનાત: લોકોને સાવચેતી દાખવવા ફાયર બ્રિગેડની અપીલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સિરામિક નગરી મોરબીમાં નાગરિકો સલામત રીતે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે તેમજ આગના બનાવો બને તો ત્વરિત કાર્યાવાહી થઈ શકે તે માટે મોરબી મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના 21 જવાનોની ટીમ ત્રણ અલગ અલગ સ્થળોએ ખડેપગે ફરજ બજાવશે. જેમાં ફાયર સ્ટેશન, નવા બસસ્ટેન્ડ તેમજ મહારાણા પ્રતાપ સર્કલ નજીક દિવાળીની સાંજથી જ જવાનો ફરજ ઉપર તૈનાત રહેશે અને સવાર સુધી ખડેપગે રહેશે.
નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરનો વિસ્તાર વધી ગયો છે ત્યારે આ વર્ષ મોરબી ફાયર બ્રિગેડની જવાબદારી પણ વધી ગઈ છે. દિવાળીના સપરમાં દિવસોમાં ફટાકડા ફૂટવાને કારણે આગના બનાવો વધતા હોય છે. ત્યારે મહાનગર પાલિકાનો ફાયરબ્રિગેડ સ્ટાફ દિવાળીના તહેવારમા આગના બનાવોને પહોંચી વળવા સજ્જ બન્યા છે. ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફાયરના તમામ 21 જવાનોનો સ્ટાફ દિવાળીની સાંજથી જ ફરજ પર તૈનાત રહેશે. જેમાં મોરબી ફાયર સ્ટેશન ઉપરાંત નવા બસસ્ટેન્ડ અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક ટીમ તૈનાત રહેશે જે કોઈપણ સ્થિતિમાં ત્વરિત મદદ માટે દોડી જશે.
છેલ્લા ચાર વર્ષથી ફાયરબ્રિગેડના જવાનો ઘેર દિવાળી નથી મનાવતા.
મોરબી નગર પાલિકા સમયમાં ભરતી થયેલા ફાયરબ્રિગેડના તમામ 21 જવાનો છેલ્લા ચાર વર્ષથી પોતાના પરિવાર સાથે દિવાળી નથી મનાવતા. ચીફ ફાયર ઓફિસર જણાવે છે કે, લોકોની સેવા સુરક્ષા અમારા માટે મહત્વની છે. દિવાળીના તહેવારમાં આગના બનાવો બનતા હોય સાંજથી જ ફાયર જવાનો ડ્યુટી ઉપર હાજર થશે અને સવારે સલામત સ્થિતિ જોઈ ડ્યુટી ઓફ થશે. દેવેન્દ્રસિંહ જાડેજાએ લોકોને સાવધાની પૂર્વક ફટાકડા ફોડવા અપીલ કરી પોતાની સાથે અન્યોની માલ મિલકતની તકેદારી રાખી ફટાકડા ફોડવા અપીલ કરી હતી
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
