<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

જય દ્વારકાધીશ ...આજે નવા વર્ષે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભાવિકોનો સૈલાબ ઉમટયો

ભગવાન દ્વારકાધીશને પણ અલૌકિક શણગાર કરી અન્નકૂટ મનોરથ ધરાવાયો, દ્વારકામાં ભક્તોની ભીડના કારણે હોટલો પણ હાઉસફુલ થઇ ગઇ

દ્વારકા : આજે નવા વર્ષની શુભ શરૂઆત સાથે  સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતુ. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકોએ દ્વારકાધીશના દર્શને આવી હતા. દ્વારકાની ગલીઓમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. ભગવાન દ્વારકાધીશને પણ અલૌકિક શણગાર કરી અન્નકૂટ મનોરથ ધરાવાયો હતો. દ્વારકામાં ભક્તોની ભીડના કારણે હોટલો પણ હાઉસફુલ થઇ ગઇ છે. જેને જોતા હજુ આવનારા 3થી 4 દિવસ દ્વારકામાં ભક્તોનો ધસારો રહે તો નવાઇ નહીં. ભક્તોનો અવિરત પ્રવાહ દ્વારકામાં જોવા મળ્યો છે.

 

આ દરમિયાન દ્વારકામાં નાતાલના મિનિ વેકશનથી ભાવિકોનો ધસારો વધ્યો છે. ગુજરાતના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ ઉમટ્યા છે. દ્વારકા અને બેટ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. બેટ દ્વારકા જવા માટે ઓખા જેટીએ યાત્રિકો ફેરી બોટ મારફતે જતા હોય છે. અને બોટમાં કેપેસીટી કરતા વધારે પેસેન્જર બેસાડનાર સામે GMBએ લાલ આંખ કરી છે. GMB દ્વારા ફેરી બોટ વિરુદ્ધ કડક પગલા લઇ કેપેસીટી મુજબ પેસેન્જર બેસાડવાની સ્પષ્ટ સૂચના આપી હતી. જે બાદ યાત્રિકોને મર્યાદિત સંખ્યામાં બેસાડવામાં આવી રહ્યા છે. જોકે અહીં ફેરી બોટમાં ફરજીયાત લાઈફ જેકેટ પહેરાવાની સૂચના અપાઈ છે છતાં બોટ માલિકોએ ઉદાસીનતા દાખવી છે. પરંતુ ભારે ભીડ વચ્ચે યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ ખડેપગે સેવા આપી રહી છે. અને પ્રશાસનની સુવ્યવસ્થા જાળવવા પ્રયાસ કરી રહી છે જેને લઇ યાત્રિકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

 

(2:33 PM IST)