<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

જેતપુર સ્વામિનારાયણ મંદિરે 11 હજાર દીવડાઓનો ઝગમગાટ, આહલાદક નઝારો

નવા વર્ષનાં પ્રથમ દિવસે પણ અન્નકૂટ, પૂજા સહિત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું, તો વિદેશોમાં સ્વામિનારાયણ મંદિરોમાં ભક્તોએ શાકાહારી શાક, ફરસાણ અને મીઠાઈઓનો અન્નકૂટ ભગવાનને અર્પણ કર્યો

 રાજકોટ સહિત વિશ્વભરનાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં નૂતન વર્ષે અન્નકૂટ દર્શનનો ભવ્ય ઉત્સવ ઊજવાયો. ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ધારણ કર્યો ત્યારથી શરૂ થયેલી અન્નકૂટની પરંપરા આજે પણ સનાતન ધર્મનો અભિન્ન હિસ્સો છે. 
BAPS સ્વામિનારાયણ સંપ્રદાયે આ પરંપરાને આગળ વધારી, વૈશ્વિક સ્તરે તેનો પ્રચાર કર્યો છે. ત્યારે રાજકોટનાં જેતપુરમાં સ્વામિનારાયણ ગાદીસ્થાન મંદિર  જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગાદી પર બિરાજમાન થયા હતા, ત્યાં દિવાળીનાં પાવન પર્વે ભવ્ય દીપોત્સવ ઊજવાયો હતો. મંદિરનાં પટાંગણમાં 11 હજાર દીવડા પ્રગટાવી અક્ષરધામ જેવો મનોહર નજારો સર્જાયો હતો. નવા વર્ષનાં પ્રથમ દિવસે પણ અન્નકૂટ, પૂજા સહિત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્ત્વનું સ્થાન ધરાવતું રાજકોટનાં જેતપુરમાં આવેલ સ્વામિનારાયણ ગાદીસ્થાન, જેમાં સ્વામિનારાયણ ભગવાન ગાદી પર બિરાજમાન થયાં હતાં અને ગાદી પર બિરાજમાન થયાં પહેલાં દીપોત્સવનું આયોજન થયું હતું. ત્યારે દિવાળી નિમિત્તે સ્વામિનારાયણ ગાદી સ્થાન મંદિરનાં પટાંગણમાં 11 હજાર દીવડા પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઊજવાયો હતો. સાથે જ સ્વામિનારાયણ મંદિરને ઝળહળતું કરવામાં આવ્યું હતું. હરિભક્તો અને સંતોનાં મંડળોની મહેનતથી 11 હજાર દીવડા પ્રગટાવીને સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનમાં એક અક્ષરધામ જેવો નજારો સર્જાયો હતો અને દિવાળીની ઉજવણી કરાઈ હતી. દીપત્સવનો લ્હાવો લેવા માટે બહોળી સંખ્યામાં હરિભક્તો અને સંતો જોડાયા હતા. તેમ જ સ્વામિનારાયણ મંદિરને 100 વર્ષ પૂર્ણ થતાં હોવાથી આગામી તારીખ 25 થી શરૂ થતા શતાબ્દી મહોત્સવનાં ઉપક્રમે દીપત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું.
બીજી તરફ વિશ્વનાં અન્ય દેશ જેમ કે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપનાં દેશોમાં આવેલ સ્વામિનારાયણ મંદિર  ખાતે આજે ભક્તોએ શાકાહારી શાક, ફરસાણ અને મીઠાઈઓનો અન્નકૂટ ભગવાનને અર્પણ કર્યો. 
આ ભવ્ય ઉત્સવમાં વિદેશી ભક્તો પણ પ્રસાદ ગ્રહણ કરી સનાતન સંસ્કૃતિનો અનુભવ કરે છે. BAPS નાં પ્રયાસોથી સનાતન ધર્મની આ પરંપરા વૈશ્વિક મંચ પર ચમકી રહી છે. ભક્તો આ નૂતન વર્ષે મંગલમય જીવન અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે અન્નકૂટ દર્શનમાં જોડાયા. આ ઉત્સવ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક પહોંચ અને એકતાનું પ્રતીક બન્યો છે.

 

(4:13 PM IST)