<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

ભાવનગરના ઉમરાળા ગામમાં આધુનિક ટોઇલેટ, હાઇફાઇ મોલ જેવી સુવિધાઓ

આખા ગામમાં સીસીટીવી, ગામના ૧૮ મી સદીથી લઇ આજ સુધી જન્‍મ-મરણા રેકોર્ડને સ્‍કેન કરી ડિઝીટલ ફાઇલીંગ સિસ્‍ટમ્‍સ દ્વારા ઓનલાઇન અપડેટઃ આ ગામને આધુનિક શૌચાલય માટે એવોર્ડ

 ભાવનગરઃ જિલ્લાનું ઉમરાળા ગામ આજે ગુજરાતના અન્ય ગામો માટે પ્રેરણાસ્રોત બન્યું છે. રાજ્ય સરકારની ગ્રાન્ટ, લોકભાગીદારી અને દાતાઓના સહયોગથી સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વ હેઠળ ઉમરાળાએ સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજીના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરીને વિકાસની નવી વ્યાખ્યા આપી છે.

ઉમરાળાના વિકાસની ગાથામાં સૌથી આકર્ષક છે ગામના આધુનિક પબ્લિક ટોઇલેટ. હાઇફાઇ મોલ જેવી સુવિધાઓ સાથે, અહીં એન્ટર થતાં જ લાઇટ ચાલુ થાય છે અને ઓટોમેટિક ફ્લશની સિસ્ટમ કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વિકાસના વખાણ કર્યા છે અને રાજકોટમાં આધુનિક શૌચાલયનો ગુજરાતમાં પ્રથમ ક્રમાંકિત એવોર્ડ ઉમરાળાના સરપંચને આપીને સન્માનિત કર્યા હતા. હાલમાં બે આધુનિક શૌચાલયો કાર્યરત છે, જેમાંથી એક પર રૂપિયા 2,43,000 અને બીજું રૂપિયા 2,94,000ના ખર્ચે તૈયાર કરાયું છે. સરપંચની જાહેરાત મુજબ, વર્ષ 2027 સુધીમાં જાપાનની ટેકનોલોજીથી વધુ બે અદ્યતન શૌચાલય બનાવવાનું આયોજન છે.

માત્ર ભૌતિક સુવિધાઓ જ નહીં, વહીવટી કાર્યમાં પણ ઉમરાળાએ નવીનતા લાવી છે. ગામના 18મી સદીથી લઈ આજ સુધીના જન્મ-મરણના રેકર્ડને સ્કેન કરીને ડિજિટલ ફાઇલિંગ સિસ્ટમ દ્વારા ઓનલાઇન અપડેટ કરવામાં આવ્યો છે. 125 વર્ષ જૂનો આ રેકર્ડ હવે વર્ષો સુધી સુરક્ષિત રહેશે.

ઉમરાળા ગામની સુરક્ષા માટે ગ્રામ પંચાયત અને મુખ્ય રસ્તાઓ પર અદ્યતન CCTV કેમેરા લગાવી ગ્રામ પંચાયતમાં કંટ્રોલ રૂમ બનાવી દેખરેખ રખાય છે. વહીવટી સરળતા માટે ફરિયાદ નિવારણ માટે 7778800087 હેલ્પલાઇન નંબર કાર્યરત છે અને ઓનલાઇન પેમેન્ટ માટે QR કોડની સુવિધા પણ છે. ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરાઈ છે, જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ભરેલી ત્રણ બોટલ આપનારને રૂપિયા 20 આપવામાં આવે છે. આ ઉપરાંત, ગ્રામ પંચાયત, લાઈબ્રેરી અને શાળાઓમાં સરપંચના સ્વખર્ચે ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

આર્થિક રીતે નબળી 60 દીકરીઓનો શિક્ષણ ખર્ચ ગ્રામ પંચાયત ઉઠાવી રહી છે. આરોગ્ય ક્ષેત્રે પણ ઉમરાળાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, જેમાં વેલનેસ સેન્ટર ખાતે ઇમરજન્સી સારવાર, ડિલિવરી યુનિટ, ઓપીડી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. તાજેતરમાં ટી.બી. નિયમન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ ઉમરાળાને બ્રોન્ઝ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ સરકારી દવાખાનામાં જન્મેલી દીકરીઓને ચાંદીની ગાય અને તુલસી ક્યારો ભેટ આપીને દીકરી જન્મને વધાવે છે, જે સમાજમાં એક સકારાત્મક સંદેશ આપે છે. ઉમરાળા ગામ આજે લોકભાગીદારી અને સકારાત્મક વહીવટના માધ્યમથી ગુજરાતના વિકાસનું એક જીવંત ઉદાહરણ બન્યું છે.

(11:32 AM IST)