News of Friday, 24th October 2025
જૂનાગઢથી અપહરણ થયેલી સગીરાને ભુજથી ઉગારી, 'પ્રેમજાળ'માં ફસાવનાર આરોપી ઝડપાયો
પોલીસની તાત્કાલિક કાર્યવાહી: બામણગામની કોલેજની વિદ્યાર્થીનીનું અપહરણ કરનાર વરુણ ચૌહાણ ભુજ કેમ્પ એરિયામાંથી પકડાયો; આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો ઉમેરાઈ

જૂનાગઢ/ભુજ: જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે એક સગીર વયની દીકરીના અપહરણ અને બદકામના ઇરાદાથી પ્રેમજાળમાં ફસાવવાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ભુજમાં રહેતા આરોપી વરૂણ નંદકિશોર ચૌહાણ (ઉં.વ. ૨૨) ની ધરપકડ કરીને ભોગ બનનાર સગીરાને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવી છે.
જૂનાગઢ તાલુકા પો.સ્ટેના બામણગામ ખાતે આવેલી નોબલ કોલેજમાં અભ્યાસ કરતી સગીર વયની દીકરીનું ગત તા. ૦૮/૧૦/૨૫ ના રોજ અપહરણ થયું હતું. ભુજના રહેવાસી આરોપી વરૂણ ચૌહાણ તેને લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને લઈ ગયો હતો. આ બાબતે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયો હતો.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક આરોપીને પકડી પાડવાના આદેશ આપ્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી. ગગનીયાની ટીમે ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી.
પોલીસને બાતમી મળી કે આરોપી વરૂણ ચૌહાણ ભોગ બનનાર દીકરી સાથે હાલ ભુજ કેમ્પ એરીયા, દરજી કોલોની ખાતે હાજર છે.
તાત્કાલિક ભુજ પહોંચીને પોલીસે આરોપી વરૂણ ચૌહાણની ધરપકડ કરી અને સગીરાને સુરક્ષિત રીતે પરત મેળવી.
પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતાં આરોપીએ પોતાના ગુનાની કબૂલાત આપી હતી. આરોપી વિરુદ્ધ મૂળ કલમમાં BNS કલમ ૬૪(૨)(એમ), ૮૭ તથા પોક્સો એક્ટ કલમ-૬, ૮, ૧૨ મુજબની કલમો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. એફ.બી. ગગનીયા સહિત વિક્રમસિંહ જુંજીયા અને અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
