<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં દિપાવલી અને નૂતનવર્ષ હર્ષોલ્લાસ સાથે ઉજવાયું

પોરબંદરઃ  સોમવારે દિવાળી મહાપર્વના શુભ દિવસે સવારે શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણવિધિ સંપન્ન થઇ. આ સાથે-સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવ્યુ. સાંજના સમયે શ્રીહરિ મંદિરમાં બિરાજિત શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનનું પૂજ્ય ભાઈશ્રી એવં મનોરથી પરિવાર દ્વારા સહસ્રકમલોથી વિધિપૂર્વક પૂજન-અર્ચન સંપન્ન થયું. દીપાવલીના દિવસે પણ દીપદાન વિધિ કરવામાં આવી. શયન આરતી બાદ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સન્મુખ દીપોત્સવ કરવામાં આવ્યો અને  ત્યારબાદ ૮:૦૦ વાગ્યે શ્રીહરિ મંદિરના પ્રાંગણમાં આતશબાજી કરવામાં આવી હતી. આ અવસરના અનેક દર્શનાર્થીઓ સાક્ષી બન્યા હતા.

 

 

જયારે તા. રર  બુધવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષના દિવસે શ્રીહરિ મંદિરમાં વહેલી સવારે ૭:૩૦ વાગ્યે મંગલા આરતીના દર્શન યોજાયા. ત્યારબાદ સવારે ૮:૦૦ થી ૦૧:૦૦ તથા સાંજે ૪:૩૦ થી ૮ દરમ્યાન શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો અને મધ્યાહ્નમાં પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા અન્નકૂટની આરતી સંપન્ન કરવામાં આવી હતી. જેના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો. 

 

 

નૂતનવર્ષ નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં સવારે સ્નેહમિલન  યોજાયેલ હતું. જેમાં સાંદીપનિ પરિવારના શ્રીહરિ ભક્તો, પોરબંદર શહેરના નગરજનો, સાંદીપનિના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને પૂજ્ય ભાઈશ્રીએ નવા વર્ષની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.

 

નૂતનવર્ષના પ્રારંભે સાંદીપનિ વિદ્યાનિકેતનના પરિસરમાં સેવા આપતા સર્વે કર્મચારીઓના પરિવારજનોને પૂજ્ય ભાઈશ્રીએ નૂતન વર્ષની શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવીને ભેંટ અને મીઠાઈનું વિતરણ કર્યુ હતુ.

(2:40 PM IST)