<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

સૌરાષ્ટ્રને PM મોદીના 'વિરાસત ભી, વિકાસ ભી' મંત્ર હેઠળ મળશે વધુ એક અદ્યતન યાત્રાધામ: ઘેલા સોમનાથનો રૂ.૧૦ કરોડના ખર્ચે કાયાકલ્પ

ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા મંદિર પરિસરમાં હવે દ્વારકા અને સોમનાથ જેવો જ ભવ્ય લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટને આપી લીલીઝંડી.

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી' સંકલ્પને ગુજરાતમાં આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા પ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ના વિકાસ માટે રૂ.૧૦ કરોડ ની માતબર રકમ મંજૂર કરી છે. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં સૌરાષ્ટ્રને એક અદ્યતન અને આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રાધામ મળશે.
ઘેલા સોમનાથ મંદિરના આધુનિકીકરણ પ્રોજેક્ટનું સૌથી મોટું આકર્ષણ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો હશે.
રૂ.૪ કરોડ ના ખર્ચે આ ભવ્ય લેઝર શો શરૂ કરવામાં આવશે, જે સોમનાથ અને દ્વારકા જેવા મોટા યાત્રાધામોની જેમ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સંકુલને ઝળહળાવી દેશે.
 કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ તાજેતરમાં પૂજારીઓ અને ટ્રસ્ટીઓ સાથે મળીને આ પ્રકલ્પનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અન્ય રૂ.૬ કરોડના ખર્ચે નીચે મુજબના મહત્ત્વપૂર્ણ કાર્યો હાથ ધરવામાં આવશે:
મંદિરનો જીર્ણોદ્ધાર :મુખ્ય મંદિરનું રીનોવેશન, મુખ્ય કૉરિડોર અને મુખ્ય દ્વારનું નિર્માણ. |
યાત્રાળુ સુવિધાઓ :મહિલા-પુરુષ માટે અલગ સ્નાન ઘાટ, ચેન્જિંગ રૂમ, પાક્કા માર્ગો અને પાથ-વે.
સંરક્ષણ અને સૌંદર્યીકરણ :યજ્ઞશાળાનું પુનર્નિર્માણ, સંત શેડ, સમાધી સ્થળનો વિકાસ, શહીદ સ્મારકનું પુનર્નિર્માણ અને બગીચા.
માળખાગત સુવિધાઓ :વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, શોપિંગ સેન્ટર, અને બેઠક વ્યવસ્થામાં વધારો.
ઘેલા સોમનાથ મહાદેવ મંદિર મુગલ આક્રમણકારીઓ સામે શિવલિંગનું રક્ષણ કરવા માટે બલિદાન આપનાર યોદ્ધાઓની ઐતિહાસિક શૌર્યગાથા નું પ્રતીક છે. રાજ્ય સરકાર એક તરફ આ વારસાની જાળવણી કરી રહી છે અને બીજી તરફ લાખો શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરીને તેને સૌરાષ્ટ્રના નકશા પર એક અદ્યતન યાત્રાધામ તરીકે સ્થાપિત કરી રહી છે.

(4:55 PM IST)