<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

ટંકારાના ચર્ચાસ્પદ શ્રુતિ વન નજીકની વિવાદાસ્પદ જમીન પર બાંધકામ વખતે મોટી દુર્ઘટના : દીવાલ ધસી પડતાં પરપ્રાંતીય મજૂરનું કરૂણ મૃત્યુ : એક ગંભીર રીતે ઘાયલ : જુઓ વિડિયો

લતીપર ચોકડી પાસે 'ન્યાય મંદિર' સામે શોપિંગ સેન્ટરના નિર્માણ દરમિયાન રોડ તરફની ગળદાની દીવાલ ધરાશાયી : કમલેશ અમલિયાર નામના યુવાનનું ઘટનાસ્થળે મોત - અન્ય એક મજૂરને ગંભીર ઈજા સાથે હોસ્પિટલે ખસેડાયો : વિવાદ બાદ કામગીરી શરૂ થતાં જ બનેલી ઘટના વિસ્તારમાં ફરી બની ટોક ઑફ ધ ટાઉન!

જયેશ ભટાસણા દ્વારા, ટંકારા, તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ : ટંકારામાં લાંબા સમયથી 'શ્રુતિ વન અને શ્રુતિ સ્થંભ' ની જમીનને લઈને વિવાદમાં સપડાયેલા સ્થળે બાંધકામની કામગીરી ફરી શરૂ થતાં જ એક મોટી અને કરૂણ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં એક પરપ્રાંતીય મજૂરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લતીપર ચોકડી નજીક ન્યાય મંદિરની સામે અને ટંકારા નગરપાલિકાની હદમાં શોપિંગ સેન્ટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ જમીન પરના વિવાદને પગલે થોડા સમય માટે કામ બંધ રહ્યું હતું, પરંતુ દિવાળી પછી ફરી એકવાર કામગીરી શરૂ કરવામાં આવી હતી.
શુક્રવારે બપોરના સમયે રોડ તરફની ગળદાની (નબળી) દીવાલ ધડાકાભેર નમી જતાં સાઇટ પર કામ કરી રહેલા બે મજૂરો તેના ઝપટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં કમલેશ અમલિયાર નામના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી મુકેશ મઈડા ને પગમાં ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં જ બિલ્ડર લોબીના લોકો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બાંધકામ વિવાદને કારણે લાંબા સમયથી બંધ હતું અને ફરી કામગીરી શરૂ થતાં જ આ દુર્ઘટના બનતા આ જગ્યા ફરી એકવાર ટોક ઑફ ધ ટાઉન બની છે. સમાચાર લખાયા ત્યાં સુધી (સાડા ત્રણ વાગ્યા સુધી) બનાવ સ્થળે કોઈ જવાબદાર સરકારી અધિકારી ડોકાયા ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

 

(3:55 PM IST)