<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ જાહેર મંચ પર રસપ્રદ ખુલાસો કરતા ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ

પૂર્વ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીનો આગલા દિવસે આવ્યો હતો ફોન:જામનગરમાં એક સન્માન સમારંભમાં રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મંત્રીપદ સ્વીકારતા પૂર્વેનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો

જામનગરમાં યોજાયેલા એક સન્માન સમારંભ દરમિયાન રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મંત્રીપદ સ્વીકારતા પૂર્વેનો એક રસપ્રદ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, પૂર્વ ઉચ્ચ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીએ આગલા દિવસે જ તેમને ફોન કરીને એડવાન્સમાં અભિનંદન પાઠવ્યા હતા અને શિક્ષણમંત્રી બનવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી રીવાબાએ જાહેર મંચ પરથી આ વાત શેર કરતાં ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

    જામનગરમાં તાજેતરમાં રીવાબા જાડેજાને રાજ્ય સરકારનાં નવા મંત્રીમંડળમાં રાજ્ય શિક્ષણમંત્રી તરીકેની જવાબદારી મળતા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન મંત્રી રીવાબા જાડેજાએ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે મંત્રીપદ સ્વીકારતા પૂર્વેની એક રસપ્રદ ઘટના અંગે વાત કરતા જાહેર મંચ પરથી કહ્યું કે, મંત્રી પદ મળે તેના આગલા દિવસે પૂર્વ ઉચ્ચ શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીનો મને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે એડવાન્સમાં અભિનંદન...’  

   મંત્રી રીવાબા જાડેજાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, તેમણે કહ્યું કે હું માતાજીને પ્રાર્થના કરું કે તેમને શિક્ષણ ખાતું મળે. બીજા દિવસે શિક્ષણ વિભાગની જવાબદારી મળતા મેં તેમને ફોન કર્યો અને કહ્યું કે ભગવાનને તમારી લાગણી સાંભળી અને મને આ જવાબદારી મળી. મંત્રી રીવાબાએ મંચ પરથી આ વાત શેર કરતાં ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે રીવાબા જે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરે છે, તે જ બેઠક પરથી વસુબેન ત્રિવેદી બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.

(6:26 PM IST)