<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

ભાવનગરના કોટડાના દરિયા કિનારે જોખમી સ્ટંટ: રિક્ષા લઈને પાણીમાં ગયેલા પ્રવાસીઓ ફસાયા, મોટી દુર્ઘટના ટળી

તોફાનની આગાહી વચ્ચે દરિયામાં ભારે કરંટ: રિક્ષા બંધ પડતા પ્રવાસીઓનો જીવ તાળવે ચોંટ્યો, સ્થાનિકોની મદદથી મુશ્કેલીથી બહાર કઢાઈ.

ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ કોટડા ધામ ના દરિયા કિનારે આજે મોટી દુર્ઘટના બનતા માંડ ટળી છે. હવામાન વિભાગ દ્વારા દરિયામાં તોફાન અને ભારે કરંટની આગાહી કરવામાં આવી હોવા છતાં, એક શખ્સ પ્રવાસીઓને લઈને રિક્ષા સીધી દરિયાના પાણીમાં ઉતારી ગયો હતો.
દરિયામાં અચાનક પાણીનું સ્તર વધી જતાં અને ભારે કરંટ હોવાને કારણે રિક્ષા પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને બંધ પડી ગઈ.
 રિક્ષા બંધ પડતાની સાથે જ તેમાં સવાર પ્રવાસીઓનો જીવ તાળવે ચોંટ્યો હતો. દરિયાના ભારે મોજામાં રિક્ષા તણાવા લાગી હતી.
 જોકે, સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસર મદદના કારણે, રિક્ષાને આખરે પાણી વચ્ચેથી ભારે જહેમત બાદ ઢસડીને બહાર કાઢવામાં આવી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે.
હવામાનની ચેતવણી હોવા છતાં, ઉંચા કોટડાના આ સંવેદનશીલ દરિયા કિનારે કોઈ પોલીસ કે સુરક્ષા બંદોબસ્ત હતો કે કેમ, તે અંગે મોટો સવાલ ઊભો થયો છે. રિક્ષાચાલકની આ બેદરકારી અને પ્રવાસીઓની સુરક્ષા પ્રત્યેની બેદરકારીએ તંત્રની વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે. સ્થાનિકોની મદદથી અત્યારે તો લોકોને બચાવી લેવાયા છે, પરંતુ ભાવિમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા જરૂરી છે.

(11:24 AM IST)