<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

મોરબી: મચ્છુ નદીમાંથી ૩૦ કલાકની શોધખોળ બાદ રેલવે બ્રિજ પરથી ઝંપલાવનારા બે યુવાનના મૃતદેહ મળ્યા

ગોંડલની SDRF અને રાજકોટની ફાયર ટીમ પણ જોડાઈ હતી: વવાણિયા અને વીસીપરાના યુવાનોની ઓળખ થઈ, આત્મહત્યાના કારણ અંગે પોલીસની તપાસ શરૂ

મોરબી: મોરબીની મચ્છુ નદીમાં શુક્રવારે બપોરે રેલવે બ્રિજ પરથી એકસાથે ઝંપલાવનારા બે યુવાનોના મૃતદેહ આખરે ૩૦ કલાકની સઘન શોધખોળ બાદ આજે મળી આવ્યા છે. આ દુઃખદ અંતથી બંને યુવાનોના પરિવારજનોમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ છવાયો છે.
શુક્રવારે બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યાના સુમારે મોરબીના પાડાપુલ નજીક આવેલા રેલવેના પુલ પરથી ૨૦ વર્ષીય હર્ષદ પારઘી અને ૨૭ વર્ષીય અનિલ ભંખોડિયા (રહે. વીસીપરા, મોરબી)એ મચ્છુ નદીમાં છલાંગ લગાવી હતી.
 ઘટનાની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
 સ્થાનિક તરવૈયાઓ, ગોંડલની SDRF ટીમ અને રાજકોટથી આવેલી ફાયર વિભાગની ટીમોએ સતત ૩૦ કલાક સુધી મચ્છુ નદીમાં સઘન શોધખોળ ચલાવી હતી.
ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકીના જણાવ્યા અનુસાર, સતત પ્રયાસોના અંતે બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, બે યુવાનોએ એકસાથે આત્મહત્યા શા માટે કરી, તે પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

(12:38 PM IST)