<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી : મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો

વરસાદના કારણે ખેતરોમાં પડેલા મગફળીના પાથરાઓમાંથી મગફળી પણ છૂટી પડી ગઈ , મગફળીનો પાલો પલળી ગયો જેના કારણે પશુઓ માટેનો ઘાસચારો ખેડૂતોને હવે ક્યાંથી લાવવો એ પણ એક પ્રશ્ન

અમરેલી તા.૨૬ : અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ગત રાત્રે અમરેલી જિલ્લાના સાવરકુંડલા રાજુલા ખાંભા જાફરાબાદ ધારી બગસરા વડીયા સહિતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મગફળીના પાથરા ખેતરોમાં તૈયાર હતા અને વરસાદે ખેડૂતોની મગફળી અને પશુઓ માટેનો ઘાસચારો બગાડી નાખ્યો છે. આ ઉપરાંત કપાસની વીણી બાકી હોય વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાય માગી રહ્યા છે. 

 

અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીનું જ વાવેતર કર્યું છે. ગત રાત્રે પડેલા વરસાદના કારણે ખેતરોમાં પડેલા મગફળીના પાથરાઓમાંથી મગફળી પણ છૂટી પડી ગઈ છે અને મગફળીનો પાલો પલળી ગયો છે. જેના કારણે પશુઓ માટેનો ઘાસચારો ખેડૂતોને હવે ક્યાંથી લાવવોએ પણ એક પ્રશ્ન છે. મગફળી સિવાય જિલ્લામાં કપાસનું પણ વ્યાપક પ્રમાણમાંવાવેતર કરવામાં આવ્યું હતું. મોટાભાગના ખેડૂતોને કપાસની વીણી ચાલુ હોય કપાસ વીણવાનું બાકી રહી ગયો હોય અને એ કપાસમાંથી પણ પાણી નીતરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કપાસ અને મગફળીના પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતો હવે સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે.

 

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી ખેડૂતોની સિઝન બગાડી નાખી છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યાં જુઓ ત્યાં કપાસ-મગફળીમાં નુકસાનીને કારણે ખેડૂતો નિરાશ થયા છે, ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે સહાય માગી રહ્યા છે. સર્વેની પણ માંગ કરી રહ્યા છે.

(3:52 PM IST)