તા. ૧૩ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૧ શુક્રવાર
News of Sunday, 26th October 2025
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને ભારે નુકસાન: ખેડૂતોને લાખો રૂપિયાની ખોટ ગઈ
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ અને આસપાસના વિસ્તારોમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામ અને આસપાસના વિસ્તારોમાં મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. હાર્વેસ્ટિંગનો સમય શરૂ થતા પહેલા પડેલા આ અણધાર્યા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
આંબરડી ગામના ખેડૂત મહેશભાઈ ચોરવડીયાએ જણાવ્યું કે તેમણે આ વર્ષે 25 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. પાક સારી રીતે ઊભો હતો અને ઉપજની આશા ઉત્તમ હતી, પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે આખો પાક ભીંજાઈ ગયો. મગફળીનો પાલો અને પાક બંને પાણીમાં ભીંજાઈ જતા ઉપજની ગુણવત્તા બગડી ગઈ છે. મહેશભાઈએ જણાવ્યું કે આ વરસાદના કારણે અંદાજે 15 લાખથી વધુનું નુકસાન થયું છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે ખેડૂતોને પાક નુકસાન સહાયરૂપ વળતર આપવામાં આવે, જેથી ખેડૂતો ફરી ખેતી માટે ઊભા રહી શકે.
ગામના અન્ય ખેડૂત નિલેશભાઈ સભાયાએ પોતાનો દુખદ અનુભવ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે 15 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું, જે પાક હવે હાર્વેસ્ટિંગ માટે તૈયાર હતું અને ગણતરીના દિવસો જ બાકી હતા. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોના મોં પરનો “કોળિયો” છીનવી લીધો છે. તેમણે જણાવ્યું કે પાકમાંથી આશરે 10 લાખ રૂપિયાનું ઉત્પાદન મળવાની આશા હતી, પરંતુ હાલના વરસાદને કારણે પાક પાણીમાં નાશ પામ્યો છે.
નિલેશભાઈએ વધુમાં જણાવ્યું કે માત્ર આંબરડી જ નહીં, પરંતુ આસપાસના આંબલા, દમણકા, બાલણ, રોહીશાળા જેવા ગામોના ખેડૂતોને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. મગફળીનો પાલો ભીંજાઈ જતા કાપણીમાં મુશ્કેલી આવી રહી છે અને ઉપજની ગુણવત્તા ઘટી ગઈ છે. ખેડૂતોની હાલત કપરા સમયમાં પહોંચી ગઈ છે. ઘણા ખેડૂતો પર પહેલાથી જ કરજ અને ઉધારનો બોજ છે, અને હવે પાક બગડતા તેઓ વધુ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક સર્વે કરીને વળતર જાહેર કરે, જેથી ખેડૂતોને રાહત મળી શકે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
