News of Tuesday, 28th October 2025
કોડીનારના રૂચિત મોરીને સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.28: ઝારખંડના રાંચી ખાતે યોજાયેલી ચોથી સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલ સ્પર્ધામાં ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી(દેદાજી) ગામના સપૂત રુચિત મોરીએ 400 મીટર હર્ડલ્સ (અવરોધ દોડ) માં ગોલ્ડ મેડલ જીતીને દેશ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા રુચિત મોરીએ શાનદાર પ્રદર્શન કરતા 50.10 સેકન્ડના સમય સાથે આ સ્પર્ધામાં સુવર્ણ પદક પોતાના નામે કર્યો હતો. તેમના આ વિજયથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. રુચિત મોરીનું સાતત્યભર્યું પ્રદર્શન તેમને સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ સુધી લઈ આવ્યું છે.
રુચિત મોરીએ આંતરરાષ્ટ્રીય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને સાબિત કર્યું છે કે નાના શહેર અને ગામડાના યુવાનો પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી શકે છે. તેમની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી(દેદાજી) ગામના વતની રુચિત મોરીની આ સિદ્ધિ બદલ તેમને ખેલ જગતની અનેક હસ્તીઓ તેમજ સ્થાનિક નેતાઓ અને લોકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. સમગ્ર ગીર પંથકમાં આ સમાચાર મળતા ખુશીનો માહોલ છે.(2.4)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
