News of Tuesday, 28th October 2025
ગિરનાર પર વધુ પોણો ઇંચ જૂનાગઢ સહિત સોરઠમાં સવારથી વરસાદ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૮: જુનાગઢ સહિત સોરઠમાં રવિવારથી શરૂ થયેલું માવઠું આજે પણ યથાવત રહેતા ખેડૂતો સહિત લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. સવારે ગિરનાર પર્વત પર વધુ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. ૫ તાલુકામાં પણ અડધો ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે.
દરિયામાં સર્જાયેલું ડિપ્રેશનને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૭૯ મીમી વરસાદ નોંધાયો હતો. કારતક મહિનામાં માવઠું વરસતા ખેડૂતોની દશા બગડી ગઈ છે. આજે વહેલી સવારથી ફરી જુનાગઢ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. શરૂઆતના બે કલાકમાં ગિરનાર પર્વત પર વધુ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારથી ગિરનાર અને તેના જંગલ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાથી ગિરનારની યાત્રાએ આવેલા યાત્રિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વરસાદની સાથે બરફીલો પવન પણ ફૂંકાઈ રહ્યો હોવાથી ગિરનાર પર્વત ટાઢોબોળ થઈ ગયો છે.
જુનાગઢ શહેરમાં આજે સતત ત્રીજા દિવસે પણ સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જેના કારણે લોકોના રોજિંદા કામકાજને અસર થઈ છે.
જુનાગઢ જિલ્લાના ભેસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળીયા તાલુકામાં સવારે વધુ અડધો ઈંચ વરસાદ વરસતા ખેતરોમાં પડેલા પાકનો સોથ વળી ગયો છે.
જ્યારે માણાવદર, વંથલી અને વિસાવદર વિસ્તારમાં સવારથી હળવા થી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
