News of Tuesday, 28th October 2025
જામનગર જિલ્લાને હચમચાવતી ઘટના : કમોસમી વરસાદ વચ્ચે કાલાવડના ડુંગરાણી દેવડીયા ગામે ખેતરમાં વીજ વાયર તૂટતા કરૂણાંતિકા : 67 વર્ષીય વૃદ્ધ દંપતી સહિત ત્રણ વ્યક્તિના વીજ શૉકથી કરૂણ મોત
પ્રિમોન્સૂન કામગીરીના મસમોટા ખર્ચ છતાં વીજ વિભાગની ઘોર બેદરકારી ફરી છતી થઈ : મગફળીનો ભૂકો સરખો કરતી વખતે જમીન પર પડેલો જીવંત વીજ વાયર અડકતાં રવજીભાઈ રોલા, તેમના પત્ની સવિતાબેન અને મજૂર બુધા વાજડીયાએ જીવ ગુમાવ્યો : સમગ્ર પંથકમાં રોષ સાથે ગમગીની : કાલાવડ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા ડુંગરાણી દેવડીયા ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં કમોસમી વરસાદ અને વીજ વિભાગની બેદરકારીના કારણે એકસાથે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડુંગરાણી દેવડીયા ગામે રવજીભાઈ જેસાભાઇ રોલા (ઉંમર 67) તેમના ખેતરમાં તેમની પત્ની સવિતાબેન રવજીભાઈ રોલા સાથે મગફળીનો ભૂકો સરખો કરવાની કામગીરી કરી રહ્યા હતા. તેમની સાથે મજૂરી કરી રહેલા બુધા ધીરુભાઈ વાજડીયા (ઉંમર 28) નામનો યુવાન પણ હાજર હતો.
કમોસમી વરસાદની પરિસ્થિતિ વચ્ચે, અચાનક વીજળીનો વાયર તૂટીને જમીન પર પડ્યો હતો, જેના કારણે ત્રણેય વ્યક્તિ વીજ શૉકની લપેટમાં આવી ગયા હતા. વીજ શૉક લાગવાના કારણે રવજીભાઈ રોલા, તેમના પત્ની સવિતાબેન અને મજૂર બુધા ધીરુભાઈ વાજડીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
વીજ વિભાગની કામગીરી સામે સવાલો
આ ઘટનાએ વીજ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. દર વર્ષે ચોમાસા પહેલા વીજ વિભાગ દ્વારા 'પ્રિમોન્સૂન કામગીરી'ના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે, વરસાદના આગમન સાથે જ વીજ વિભાગની આ કામગીરીની પોલ ખુલ્લી પડી જાય છે. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ દર્શાવે છે કે સમારકામ અને મેન્ટેનન્સની કામગીરી માત્ર કાગળ પર જ થાય છે. એકી સાથે ત્રણ જીવ ગુમાવવાની આ ઘટના બાદ ડુંગરાણી દેવડીયા સહિત કાલાવડ પંથકના લોકોમાં ભારે રોષ અને ગમગીની ફેલાઈ છે.
ઘટનાની જાણ થતા જ કાલાવડ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
