<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

થાનગઢમાં પાણી ઉડવા બાબતે જુથ અથડામણ : ૮ રાઉન્‍ડ ગોળીબાર

સામાન્‍ય બાબતે બોલાચાલી થયા બાદ ધોકા-પાઇપ ઉડયા : મારામારીએ હિંસક ઘટના સર્જી : ચાર વ્‍યકિત ઘાયલ : અમરાપર અને ચિત્રાલાખા ગામના લોકો આમને સામને આવ્‍યા : કારના કાચ પણ તોડયા બે લાખ રૂપિયા ગૂમ થયાની પણ રાવઃ ચકચાર

 

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૯ : થાનગઢ તાલુકામાં ફરી એકવાર હિંસક જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં ૮ રાઉન્‍ડ ફાયરિંગ કરવામાં આવ્‍યું હોવાના અહેવાલ છે. થાનગઢના ચિત્રાલાખા અને અમરાપર ગામના બે જૂથો વચ્‍ચે સામાન્‍ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરતાં આ અથડામણ થઈ હતી. ફાયરિંગ અને હુમલામાં કુલ ચાર લોકોને ઈજા પહોંચી છે.

આ બોલાચાલીએ ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરતા મારામારી થઈ અને અંતે ફાયરિંગ થયું હોવાની આશંકા છે. આ ઘટનામાં ચાર વ્‍યક્‍તિઓને ઈજા થતાં તેમને તાત્‍કાલિક સારવાર માટે થાન હોસ્‍પિટલ ખસેડાયા હતા. તે પૈકી બે વ્‍યક્‍તિઓને વધુ ઇજા પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્‍યા છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસતંત્ર હરકતમાં આવ્‍યું હતું. એલસીબી (LCB), એસઓજી (SOG), તેમજ સ્‍થાનિક પોલીસની ટીમોનો કાફલો ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો અને કાયદો-વ્‍યવસ્‍થા જાળવવા તથા તપાસ શરૂ કરી હતી.

થાન પંથકમાં એક મહિનામાં ફાયરિંગની આ ત્રીજી ઘટના હોવાથી સ્‍થાનિકોમાં ભયનું વાતાવરણ છે. આ ઉપરા-છાપરી ઘટનાઓ થવાના કારણે  અને કાયદાના પાલન સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ફાયરિંગ કરનાર શખ્‍સોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્‍ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર લોકોને ઈજા પહોંચી છે. જેથી તેઓને હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યાં છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, અમરાપર અને ચિત્રાખળા ગામના લોકો વચ્‍ચે રસ્‍તામાં પાણી ઉડવા જેવી સામાન્‍ય બાબતે વિવાદ થયો હતો, જે ઉગ્ર બનતા મારામારીમાં પરિણમ્‍યો હતો. આ ઘટનામાં ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્‍યાં હતા.

આ મારામારીમાં ચાર વ્‍યક્‍તિઓને ઈજા પહોંચી હતી, જેમને તાત્‍કાલિક થાન હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. તેમાંથી બે વ્‍યક્‍તિઓને વધુ ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્‍યા છે. આ ઘટનાને પગલે ગામમાં તંગદિલીનું વાતાવરણ છવાયું છે.

આ ઘટનાની જાણ થતાં જ સ્‍થાનિક પોલીસ, એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ) અને એસઓજી (સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને પરિસ્‍થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. આ અંગે થાનગઢ પોલીસ મથકના પીએસઓ સિદ્ધાર્થભાઈએ જણાવ્‍યું કે, હાલ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે. તેમજ વધુમાં જણાવ્‍યું કે, જે ભાઈ ફાયરિંગની ફરિયાદ લઈને આવ્‍યા હતા, એ ભાઈ જ દારૂ પીધેલી હાલતમાં હોવાથી એની વિરુદ્ધ પીધેલાનો કેસ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, એક યુવક કારમાં જઈ રહ્યો હતો ત્‍યારે કોઈ સામાન્‍ય મુદ્દે બે જૂથો વચ્‍ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ જોતજોતામાં મોટું સ્‍વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથો સામસામે આવી ગયા હતા. હિંસક અથડામણ દરમિયાન પહેલા પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્‍યો હતો, અને ત્‍યારબાદ અસામાજિક તત્‍વો દ્વારા હવામાં કે અન્‍ય સ્‍થળે ૮ રાઉન્‍ડ ફાયરિંગ કરવામાં આવ્‍યું હતું. વળી, ઝઘડા દરમિયાન કારમાંથી રૂપિયા બે લાખ પણ લઈ લેવામાં આવ્‍યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.(૯.૧૩)

(10:57 AM IST)