<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

ખંભાળિયામાં ખેડૂતોને આખી સીઝન માંગ્‍યો વરસાદ છેલ્લે ‘વેરી' થયો !!

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ર૯ : પ્રતિ વર્ષ ૮૦/૯૦ ઇંચ વરસાદ પડતો હતો જયારે આ વર્ષે ર૬ ઇંચ વરસાદ જ પડતા તથા અન્‍ય તાલુકામાં ૪૦/પ૦ ઇંચ વરસાદ પડવા છતાં પણ ખંભાળિયા તાલુકાના ખેડૂતો ખુશ હતા કેમકે મોટાભાગના ડેમો છલકાઇ ગયેલા તથા ખરીફ પાક મગફળીમાં શરૂઆતની મગફળી તૈયાર થવા સુધી જયારે ખેડૂતને પાણીની જરૂરત હોય પીવડાવવા પીયતની તૈયારી કરે ત્‍યાં વરસાદનું આગમન થતું હતું પરંતુ છેલ્લે માવઠાના બે ઇંચ વરસાદ તથા સમગ્ર વાતાવરણે પલટો ખાતા ખેડૂતોનો તૈયાર પાક પાણીમાં મળી જતા આખી સીઝન ‘મિત્ર'ની જેમ સમયસર વરસાદે આવી ને મઝા કરાવેલી પણ છેલ્લે ‘વેરી'ની જેમ તૈયાર પાકથી માવઠાનો કહેર વરસતા ખેડૂતો દુઃખી દુઃખી થઇ ગયા હતા!!

જે વરસાદ આવતા આનંદિત થતા તેને વરસતો જોઇને પાક બગડતો જોઇ લાચાર સ્‍થિતિમાં મુકાયેલ ‘જગતના તાત'ની માનસિક સ્‍થિતિ બગડી છે !! મગફળીની સાથે મગફળીના પાથરાના ઘાસચારા પર પણ પાણી ફળી વળ્‍યાની સ્‍થિતિ થઇ છે.

આજે પણ વરસાદી વાતાવરણ રહેતા તડકોના નીમકળતા સ્‍થિતિ વધુ બગડી છે તથા ખેડૂતોમાં વ્‍યાપક રીતે તાકીદે મોટી રાહતની માંગ પણ કરાઇ છે.

ઓચીંતા વરસાદને કારણે કેટલાક શાકભાજીના પાકને પણ નુકશાન થતા લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.

આજે આમ આદમી પાર્ટી દ્વારા પણ જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્‍યામાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકાર ખેડૂતો પાસે હવે શિયાળી વાવેતરના પૈસા પણ ના હોય જેમ બને તેમ તાકીદે સર્વે કરીને વળતી રાહત ચુકવે તેવી માંગ કરવામાં આવી હતી.

(12:23 PM IST)