<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

જૂનાગઢ ભાજપના ધારાસભ્‍ય સંજય કોરડીયાને મારી નાખવાની ધમકી

બે વોટસએપ નંબરનો ઉપયોગ કરી રોનક ઠાકુર નામના શખ્‍સે મેસેજ કર્યાઃ ૩૫ લાખની ખંડણી માંગીઃ આઇટી એકટ હેઠળ ગુન્‍હો નોંધી પોલીસે તપાસ હાથ ધરીઃ ભારે ચર્ચા

 

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦: જૂનાગઢના ભાજપના ધારાસભ્‍ય સંજય કોરડીયાને મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે ભાજપના ધારાસભ્‍ય સંજય કોરડીયા પાસેથી ખંડણીની માંગ પણ કરવામાં આવી છે, વોટસઅપમાં મેસેજ કરી ૩૦ લાખ આંગડીયામાં અમદાવાદ મોકલવા કહ્યું છે અને વોટસઅપમાં અપશબ્‍દોના મેસેજ પણ કર્યા હોવાની વાત સામે આવી છે, રોનક ઠાકુર નામના શખ્‍સ સામે ફરિયાદ નોંધાવી છે અને આ શખ્‍સે શું કામ આવો મેસેજ કર્યો તે ઝડપાયા બાદ જ પોલીસને ખબર પડશે અને કોઈના કહેવાથી આ રીતે ધમકી આપી છે તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર ઘટનામાં તપાસ કરતા સામે આવ્‍યું છે કે, રોનક ઠાકુર નામના શખ્‍સે આ મેસેજ કર્યો છે અને આવો મેસેજ કરવાનું કારણ હજી સામે આવ્‍યું નથી, પોલીસે પણ આઈટી એકટ હેઠળ ગુનો નોંધ્‍યો છે, કોઈ અંગત અદાવતમાં આ મેસેજ કરી ખંડણી માંગવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલુ છે, તો હજી સુધી મેસેજ કરનાર રોનક ઠાકુર પોલીસના હાથે ઝડપાયો નથી, તો ધારાસભ્‍યએ પણ કોઈ રૂપિયા આંગડીયામાં મોકલાયા નથી અને બીજો કોઈ મેસેજ કે ફોન આવે તે પહેલા ફરિયાદ નોંધાવી છે.

ઝાંઝરડા રોડ પર આવેલ સ્‍વર્ગ વ્રજધામ સોસાયટીમાં રહેતા ધારાસભ્‍ય સંજયભાઈ કળષ્‍ણદાસ કોરડીયા ઉ.વ.૫૪એ ગઈ રાત્રે શહેર બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે,  વોટસએપ મોબાઈલ નંબર +૨૪૩૯૯૩૦૩૩૧૨૮ તથા મોબાઈલ નંબર +૨૪૩૯૮૯૩૭૯૮૬૭નો ઉપયોગ કરનાર શખ્‍સે  અપશબ્‍દો વાળા મેસેજો કરી પ્રથમ રૂ. ૩૦ લાખ ત્‍યાર બાદ રૂ. ૫ લાખની ખંડણીની માંગણી કરી હતી અને ખંડણીના રૂપીયા રોનક ઠાકુર મો. ૮૮૪૯૯ ૩૫૧૫૬ અમદાવાદના નામે આંગડીયું મોકલી આપવાનું કહી અને જો આ ખંડણીના રૂપીયા નહીં મોકલશે તો  પરીવારને જાનથી મારી નાખશે તેવી ધમકી ગઈ તારીખ ૨૬ ઓક્‍ટોબરથી આપી હતી.

ધારાસભ્‍ય સંજય કોરડીયાની ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી વધુ તપાસ પીઆઇ એ. બી. ગોહિલે શરૂ કરી હતી.(૨.૫)

 

 

(10:54 AM IST)