<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ૫ નવેમ્બરે કચ્છમાં

પ્રદેશના આગેવાનો સાંસદ વિનોદ ચાવડા, ઋત્વિજ પટેલ, ધવલ દવે, રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદની બેઠક, કાર્યકરોમાં અભિવાદન અને આવકાર માટે અત્યારથી જ થનગનાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ ભાજપની કમાન સંભાળ્યા બાદ તેઓ તમામ જીલ્લાઓનો પ્રવાસ કરી રહ્યા હોઈ આ અંતર્ગત આગામી તારીખ 5 મી નવેમ્બરે પ્રદેશ અધ્યક્ષશ્રી કચ્છની ધરા પર પધારી રહ્યા હોઈ કચ્છ જીલ્લા ભાજપ દ્વારા તેઓની મુલાકાતના આયોજનની તૈયારીઓનો તખ્તો ગોઠવાઈ ચુક્યો છે. સમગ્ર કચ્છ જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગનો અનેરો માહોલ પ્રવર્તી રહ્યો છે.

કચ્છ કમલમ ખાતે  જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં અને પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશથી ખાસ પધારેલ અભિવાદન સમરોહના પ્રદેશ ઇન્ચાર્જ ધવલભાઈ દવે તેમજ સહ ઇન્ચાર્જ ઋત્વિજભાઈ પટેલની ઉપસ્થિતમાં તૈયારીઓ અંગેની એક અગત્યની પરામર્શ બેઠક યોજાઈ હતી.

ધવલભાઈ દવે અને ઋત્વિજભાઈ પટેલે ઉપસ્થિત સૌ અપેક્ષિત આગેવાનોને  આ સમારોહના આયોજન માટે જરૂરી સૂચનો તેમજ માહિતી પુરી પાડી હતી અને કચ્છ ભાજપ પરિવાર તેમજ કાર્યકર્તાઓ ઉપર કાર્યક્રમ સફળ બનાવવા માટે પુરેપુરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અભિવાદન કાર્યક્રમ મોટી સંખ્યામાં સંતો મહંતોની વિશેષ હાજરીમા યોજાશે તેમજ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકોને પણ આ અવસરે મળશે.

આ અંગે પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જયારે આપણા પ્રદેશ અધ્યક્ષ પહેલી વખત ક્ચ્છ આવી રહ્યા છે ત્યારે તેમના અભિવાદન માં કોઈ ખામી ના રહે તેની ખાસ તકેદારી રાખવા તેમજ આ સમારોહ ભવ્યાતીભવ્ય થાય તે માટે દરેક કાર્યકરો, આગેવાનોને કામે લાગી જવા જણાવ્યું હતું. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પ્રદેશ અધ્યક્ષની મુલાકાતને આવકારીને અભિવાદન સમારોહ માટેના કચ્છના ઇન્ચાર્જ તરીકે જીલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય તેમજ સહ ઇન્ચાર્જ તરીકે જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાહુલભાઈ ગોર, પ્રફુલસિંહ જાડેજા તેમજ હિતેષભાઇ ખંડોલની નિમણુંક કરીને આજ થી જ તૈયારીઓ શરૂ કરી દેવા સૌને સૂચના આપી હતી અને તમામ મંડળો ને આ અંગે બેઠકો કરી વધુમાં વધુ લોકો કાર્યક્રમ માં હાજર રહી શકે તે પ્રકારનું આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું. તમામ મોરચાઓ ને પણ અલગ થી બેઠકો યોજી વિશેષ આયોજન કરવા જણાવ્યું હતું.

આયોજન બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા,જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્યો પંકજભાઈ મેહતા, રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ જિલ્લા અધ્યક્ષશ્રીઓ અરુણભાઈ વછરાજાની, દિલીપભાઈ ત્રિવેદી, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજભાઇ ગઢવી, જિલ્લા ભાજપના હોદેદારો, મોરચાના હોદેદારો, મંડળના હોદેદારો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.

(9:34 AM IST)