News of Saturday, 1st November 2025
તળાજા પંથકના મોટાભાગના ખેતરોમાં પાકને બદલે પાણી લહેરાય છેઃ પાંચમાં દિવસે પણ વરસાદી માહોલ
આમા સર્વેની કયાં જરૂર છે!? કારતક માસમાં કૂવાઓ વહેવા લાગ્યા હોય તેવો પ્રથમ વખત બનાવઃ ખેડૂતોને જમીન ફળદ્રુપ કરવા ભારે ખર્ચ વેંઢારવો પડશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧: કારતક મા માવઠા નો કહેર એવો તળાજા પર ઉતર્યો છે કે આજે સતત પાંચમા દિવસે વરસાદી માહોલ દિવસ અને રાત્રે પણ રહ્યો.ત્રણ દિવસ પડેલા ભારે વરસાદ ના પગલે આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છેકે ખેડૂતો ખેતરમાં કયારે જઈ શકશે તે નક્કી નથી. ખેતરોમા ખેત જણસના બદલે પાણી લહેરાતા જોવા મળી રહ્યા છે.
તળાજાના નેશિયા ગામના ખેડૂત મનોજસિંહ ગોહિલના શબ્દો હતા કે ખેતરો મા ખેત જણસ લહેરાતી હોય તેના બદલે ખેતરોમા પાણી લહેરાય છે. ખેતરના બદલે તળાવના માલિક હોય તેવો અનુભવ ખેડૂતો કરી રહ્યા છે. તળાજા પંથકમાં સાર્વત્રિક આવોજ નઝારો જોવા મળે છે.ખેડૂતો સવાલ પૂછી રહ્યા છેકે આમા સર્વે કયા કરવા જેવો જ છે?!.નરી આંખે ખેતરો તળાવડા જેવા તો લાગે છે.
જીદંગી ના પાંચ દાયકા વટાવી ચૂકેલા ખેડૂત અશોકભાઈ લાધવા ની વેદના હતી કે કારતક માસમાં કૂવાઓ સ્વયં વહેતા થઈ જાય,જમીનમાંથી પાણી ન રેસ ફૂટે તેવું મારી ઝીંદગીનો પ્રથમ અનુભવ છે. કયારે વાડીમા પગ મૂકી શકાય તે નક્કી નથી.આજની સ્થિતિ જોતા આગામી પંદર દિવસ સુધી ખેતરોમાં ભરેયલ પાણી ના કારણે જમીન મા ખેતી કામ થઈ શકે તેમ નથી.
ટીમાણાં ગામના ખેડુત જાની હરિભાઈ એ પોતાના ખેતરમાં કપાસ ની હાલત ના ફોટાઓ મોકલ્યા હતા. તેઓનો આશય હતો કે આમાં સર્વે ની કયાં જરૂર સરકાર ને લાગે છે?!.માવઠા ના કારણે કપાસ નથી બગડયો,ખેડૂત પરિવાર ના સ્વપ્ન રોળાય ગયા છે,શુ ધાર્યું હતું ને શુ હાલત થઈ! આવા શબ્દો સાથે ખેડૂતો વેદના વ્યક્ત કરી રહ્યા છે.
રેઇનકોટ, ઝરસી અને તૈયાર વષાો એમ ત્રણેયની ખરીદી
તળાજામા સતત આજે પાચમ દિવસે વહેલી સવાર થીજ ઝરમર સ્વરૂપે વરસાદ શરૂ થતાં લો ડિપ્રેશન ની અસર જોવા મળી હતી. જેને લઇ આજે તળાજાની બજારમાં એકજ દુકાને ત્રણ પ્રકારના ગ્રાહકો પણ જોવા મળ્યા હતા. કોઈ લગ્ન પ્રસંગ માટે તૈયાર વષાો ખરીદી રહ્યા હતા.તો કોઈ વધુ વરસાદ ની આગાહી ના પગલે રેઇનકોટ અને છત્રી,વેકેશન પૂર્ણ થતું હોય વાલીઓ દ્વારા સંતાનો માટે ગરમ કોટ, ઝરસી ખરીદી કરી રહ્યા હતા.વેપારી એ જણાવ્યું હતુ કે એકી સાથે ત્રણેય વસ્તુ ની માગ નીકળે તેવું ૬૦ વર્ષ ની ઉંમરે પ્રથમ વખત બન્યું છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
