News of Sunday, 2nd November 2025
વિસાવદરમાં ૭મી નવેમ્બર શુક્રવારે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાશે : તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાડોદરિયાની જાહેરાત
કમોસમી વરસાદથી પાયમાલ થયેલા જગતનાં તાતને વહારે આવવા ધારદાર રજૂઆત કરાશે : પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાએ જણાવ્યા અનુસાર કોંગ્રેસ દ્વારા આગામી તા. ૭-૧૧-૨૦૨૫ શુક્રવારનાં રોજ માંડાવડ માર્કેટ યાર્ડ ખાતે સવારે ૧૦ કલાકે ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં ગામેગામથી ખેડૂતો, ખેતમજૂરો, ગ્રામ્યજનોને ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે. આ ખેડૂત સંમેલનમાં તાજેતરનાં કમોસમી વરસાદનાં પરિણામે જગતનો તાત પાયમાલ થયેલ હોય સરકારને ખેડૂતને વહારે આવવા ધારદાર રજૂઆત સાથેનુ આવેદનપત્ર પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવશે.
કોંગ્રેસ પ્રમુખ વાડોદરિયાના જણાવ્યા મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના પાકો નષ્ટ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તૈયાર પાક ડૂબી ગયો છે, અને હજારો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. જગતના તાત એટલે કે ખેડૂતોની હાલત અત્યંત દયનીય છે. સરકારે સહાનુભૂતિ દાખવવી જોઈએ, પરંતુ સરકારનું વલણ ઉદાસીન છે. અત્યાર સુધી સરકારે ખેડૂતો માટે ભાષણો તો ઘણાં કર્યા, પરંતુ હકીકતમાં કોઈ સહાય હજુ સુધી જમીન સ્તરે પહોંચી નથી. જેથી તમામ ખેડૂતોને બેંક સહિતનું તમામ ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે તથા ખેડૂતો માટે સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તે અતિઆવશ્યક છે. માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોનું દેવું માફ અને અસરગ્રસ્ત ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે તે માટે સરકારે ત્વરિત નિર્ણય લઈ તાબડતોબ અમલ કરવા વાડોદરિયાએ જણાવ્યું છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
