News of Monday, 3rd November 2025
દ્વારકામાં તુલસી વિવાહની દિવ્ય ઉજવણીઃ ભવ્ય શોભાયાત્રા નીકળી ઠાકોરજીની પાલખીને પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીસજી મંદિરે દેવ ઉઠી એકાદશીનાં દિને તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પટાંગણમાં શ્રીજીનાં નીજ સભા મંડપમાં શેરડીનો મંડપ શણગારી તેમાં તુલસીજીને નવ કન્યા રૂપમાં તથા શ્રીજીનાં ઉત્સવ સ્વરૂપ ગોપાલજીને વરરાજાના શણગાર સજાવી મંડપમાં પધરાવવામાં આવ્યા હતાં. આ મંડપમાં કરિયાવર રૂપે સોના-ચાંદી હીરા, માણેક, પન્ના વગેરે આભુષણો સજાવી શ્રીજીના સન્મુખ પધરાવવામાં આવ્યા હતાં. ઠાકોરજીના મસ્તક પર સાફો, મોરપીંછ, કમરે કમરબંધ વગેરે વિવિધ શણગાર સજાવવામાં આવ્યા હતાં. તુલસી વિવાહ પ્રસંગે સાંજે અન્નકૂટ મનોરથ યોજાયો હતો. સાંજે શાહી સવારી સાથે ઠાકોરજી પરણવા નીકળ્યા હતાં. ઠાકોરજીનાં બાલસ્વરુપનો વરઘોડો દ્વારકાધીશ જગત મંદિરેથી બહાર નીકળ્યો ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી ઠાકોરજીનો વરઘોડો વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર ફરી જગત મંદિરે પરત પહોંચ્યો હતો. અને શાષાોક્ત વિધિથી તુલસી વિવાહ યોજાયા. તુલસી વિવાહ પ્રસંગે ભાવિકો ઉમટયા હતાં. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
