<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

વાંકાનેરના ઢુવા પાસે કારમાં ૧.પ૪ લાખના વિદેશી દારૂના જથ્‍થા સાથે બે પકડાયા

તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો (નીચે બેઠેલ) સાથે તાલુકા પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ, મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૪ : વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાં ઈંગ્‍લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૫૪ લાખનો દારૂ, બે મોબાઈલ અને કાર સહીત ૩.૧૪ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ઢુવા ઓવરબ્રિજ પાસેથી સેન્‍ટરો કાર જીજે ૦૩ ઈએલ ૧૮૭૫ વાળીમાં ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો ભરી પસાર થવાની છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને કારને આંતરી લઈને તલાશી લેતા દારૂની ૧૧૦ બોટલ કીમત રૂ ૧,૫૪,૦૦૦ નો જથ્‍થો મળી આવ્‍યો હતો જેથી પોલીસે આરોપી વિપુલ પ્રવીણ ચાવડા રહે અરુણોદયનગર મોરબી ૨ અને ગજાનંદ ભરત મહંતો રહે બિહાર હાલ મોરબી પાવડીયારી કેનાલ વાળાને ઝડપી લીધા હતા.

પોલીસે ઈંગ્‍લીશ દારૂની ૧૧૦ બોટલ કીમત રૂ ૧,૫૪,૦૦૦, બે મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને કાર કીમત રૂ ૧,૫૦,૦૦૦ સહીત કુલ રૂ ૩,૧૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે દારૂનો જથ્‍થો મોકલનાર વિનાભાઈ રહે વીંછીયા વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે. 

(11:54 AM IST)