<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ભારતી આશ્રમના લાપતા લઘુ મહંતની ભાળ માટે તપાસ જારી

ડોગ સ્‍ક્‍વોડ સહિત પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ પણ કોઈ સગડ નહિ

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ, તા., ૪ : ભવનાથ ખાતેના ભારતી આશ્રમના લાપતા લઘુ મહંત મહાદેવભારતીની ભાળ મેળવવા તપાસ આજે પણ જારી રહી છે. રવિવારથી ડોગ સ્‍ક્‍વોડ સહિત પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ આજે સવાર સુધી મહંતની કોઈ પ્રકારની ભાળ મળી શકી નથી.

ભવનાથ સ્‍થિત ભારતી આશ્રમના મહાદેવભારતીબાપુ ૫ પાનાની સ્‍યુસાઇડ નોટ લખી રવિવારની વહેલી સવારે આશ્રમમાં કોઈને કહ્યા વગર પગપાળા જંગલ તરફ જતા રહી ગુમ થઈ ગયા હતા. જેની જાણ થતાં ભવનાથ, એલસીબી, એસઓજી સહિતની ૪ ટીમે ડોગ સ્‍ક્‍વોડને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. ઘટનાના ૩ દિવસ બાદ પણ પોલીસને મહંતની કોઈ પ્રકારની ભાળ મળી નથી.

મહાદેવભારતીબાપુએ સોમવારની વહેલી સવારે આશ્રમના ટ્રસ્‍ટીને ફોન કરી પોતે જટાશંકર હોવાની જાણ કરી ભૂલ થઈ ગઈ હોવાનું જણાવી આશ્રમે પરત આવવું છે તેમ જણાવ્‍યું હતું. જેના પગલે પરોઢિયે પોલીસ વન વિભાગના સ્‍ટાફને સાથે રાખી ડોગ સ્‍ક્‍વોડને લઈ જટાશંકર ખાતે પહોંચી હતી. પરંતુ અહીં પણ મહાદેવભારતીની ભાળ મળી ન હતી.

અત્રે જટાશંકરના મહંત સહિતનાની પૂછપરછમાં તેઓએ મહાદેવભારતીને જોયા ન હોવાનું જણાવ્‍યું હતું. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્‍સના માધ્‍યમથી તપાસ કરવામાં આવી રહી છે.

દરમિયાન પોલીસે લઘુ મહંત સુધી પહોંચવા માટે ભારતી આશ્રમના ૧૨ થી ૧૫ સેવકો ઉપરાંત રીક્ષા સહિતના વાહનોના ચાલકો, દુકાનદારો, ફેરીયાઓ, માલધારીઓ સહિત ૧૫૦થી એ લોકોના નિવેદન લીધા હતા.

તેમજ મહાદેવભારતીએ સ્‍યુસાઇડમાં જણાવેલ ૫ શખ્‍સમાંથી ૩ ઇસમની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે લઘુ મહંતની શોધખોળ માટે એડીચોટીનું જોર લગાવ્‍યું છે. પરંતુ સગડ નહિ મળતા આજે પણ જંગલમાં તપાસ યથાવત રાખવામાં આવી છે.(

(12:22 PM IST)