News of Wednesday, 5th November 2025
રાત્રે શ્રી દ્વારકાધીશ મંદિરે દેવદિવાળી પર્વ અંતર્ગત ૧૧ હજાર દિવડા પ્રગટાવાશે
વિશેષ શ્રૃંગાર દર્શન, નિજ મંદિરમાં રંગોળી, દિપમાલા, સુશોભન કરાશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.પઃ આજે બુધવારના રોજ કારતક સુદ પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળી ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. આ અંગે દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રણવભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર શાષાોમાં દેવદિવાળીને દેવોની દિવાળી તરીકે સંબોધિત કરવામાં આવેલ છે એટલે દેવદિવાળીના પાવન અવસરે કાળિયા ઠાકોરને વિશેષ શ્રૃંગાર ધારણ કરાવાશે. આ પ્રસંગે શ્રીજીને મધ્યાહન સમયે રાજભોગમાં અદકી વિશેષ ભોગ ધરાવવામાં આવશે. આ ઉપરાંત સાંજના સંધ્યા સમય પછી નિજમંદિર તથા નિજસભાગળહમાં રંગોળી તથા દીપમાલા સાથે સુશોભન કરવામાં આવશે.
દ્વારકામાં દિપોત્સવી પર્વ શ્રૃંખલાના અંતિમ ચરણમાં સાંજના સંધ્યા સમય પછી નિજ મંદિર અને સભાગળહમાં વૈવિધ્ય સભર રંગોળી કરીને દૈદિપ્યમાન કરાશે. કારતક માસમાં દિવડાની પૂજા તથા દીપદાનનું વિશેષ મહત્વ છે. ત્યારે જગત મંદિરમાં રાણીવાસમાં લક્ષ્મીજીના મંદિર સન્મુખે રંગોળીઓ સાથે અગિયાર હજાર દીવડાઓ પ્રગટાવી દેવદિવાળી દિપોત્સવી પર્વ મનાવાશે. એક લોક વાયકા એવી છે કે કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળાના દિવસે પરમાત્માનું સ્મરણ કરીને ૭૨૦ દીવા પ્રગટાવે તે પાપ મુક્ત થાય છે.
એક કથા મુજબ ત્રિપુરાસુર નામના રાક્ષસે દેવોને ખૂબજ પરેશાન કર્યા હતાં. તેમજ ત્રિપુરાસુરે કૈલાસ પર્વત પર આક્રમણ કરી દેવો સાથે સતત ત્રણ દિવસ સુધી મહાયુધ્ધ કર્યું હતું. કાર્તિકી પૂર્ણિમાના દિવસે શિવજીએ એક જ બાણ મારી ત્રિપુરાસુરનો વધ કર્યો હતો જેના કારણે પ્રસન્ન થયેલા દેવોએ શિવજીને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા હતાં. તેમજ દિવાળી તૂલ્ય ઉત્સવ ઉજવ્યો હતો. આથી આ દિવસને દેવ દિવાળી કે ત્રિપુરારિ પૂર્ણિમા કહેવાય છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
