<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ખાંભા તાબેના માકલનેસમાં ગાડા માર્ગ મામલે શેઢા પાડોશીઓ વચ્‍ચે ધીંગાણું: ૭ ઘાયલ થયા

દાતરડા, પાઇપ, કુહાડીથી એક બીજા પર હુમલોઃ કોમલબેન, સવિતાબેન, જીવાભાઇને અને સામા પક્ષે ગભરૂભાઇ, હિમતભાઇ, હર્ષાબેન અને હેતલબેનને ઇજાઃ એકને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૫: અમરેલીના ખાંભા તાબેના નવા માલકનેશમાં ગાડા માર્ગે ચાલવા મામલે ધમાલ મચી ગઇ હતી. જેમાં સામ સામે બે પરિવારોએ એક બીજા પર કુહાડી, દાતરડા,પાઇપથી મારામારી થતાં પોલીસે એક પક્ષના ૧૨ અને બીજા પક્ષના ૭ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. ઘાયલો પૈકીના એકને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જાણવામ ળ્‍યા મુજબ નવા માલકનેસમાં રહેતાં કોમલબેન ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.૨૧) ઉપર તેના શેઢા પાડોશીઓએ દાતરડા, કુહાડાથી હુમલો કરી તેને તથા વચ્‍ચે પડેલા તેના કુટુંબના સવિતાબેન, જીવાભાઇને પણ ઇજાઓ થઇ હતી. આ મામલે પોલીસે કોમલેબનની ફરિયાદ પરથી શેઢા પાડોશીઓ હિમત વેલાભાઇ સોલંકી, અસ્‍મીતા હિમત સોલંકી, ઉમિયા હિમત, હેતલ હિમત, કોૈશિક ગભરૂભાઇ, ધર્મેશ હિમત, હિતેષ ગભરૂભાઇ, ગભા વેલાભાઇ, વેલા ભુરાભાઇ, વંતુબેન વેલાભાઇ, હર્ષાબેન ગભાભાઇ અને જતીન ભુપતભાઇ જેઠવા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

કોમલબેનને શેઢા પાડોશી હિમત સોલંકી સાથે ગાડા માર્ગ બાબતે તરકાર ચાલતી હોઇ તેનો ખાર રાખી આ લોકોએ ટોળકી રચી દાતરડા, કુહાડી ધારણ કરી હુમલો કરી તમે કેમ અમને ખેતરના ગાડા માર્ગના કેડેથી ચાલવાની ના પાડો છો? કહી ઘા મારી દીધા હતાં. કોમલબેનને બચાવવા સવિતાબેન વચ્‍ચે પડતાં તેને પણ ઢસડીને માર માર્યો હતો. તેમજ જીવાભાઇને નેણ ઉપર કુહાડીના બે ઘા મારી દીધા હતાં અને ખૂનની ધમકી દીધી હતી. સામા પક્ષે ગભરૂભાઇ વેલજીભાઇ સોલંકી (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી કોમલબેન ધીરૂભાઇ, સવિતાબેન ધીરૂભાઇ, જીવરાજ જેઠાભાઇ સોલંકી, સુરેશ જીવરાજભાઇ સોલંકી, પાંચા જીવરાજભાઇ સોલંકી અને કાજલ જીવરાજભાઇ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધાયો છે. ગભરૂભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે આ બધાએ મંડળી રચી ઘાંસ કાપવાના દાતરડા, લોખંડની ટી વડે હુમલો કરી પોતાને તેમજ સાહેદો હિમતભાઇ, હર્ષાબેન અને હેતલબેનને ઇજાઓ પહોંચાડી હતી. આ લોકોએ હથીયારોથી હુમલો કરવા ઉપરાંત પથ્‍થરમારો પણ કર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં હિમતભાઇ વેલજીભાઇ સોલંકી (ઉ.વ.૪૮)ને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે

(12:00 PM IST)