બાબરાના ફૂલઝરમાં ધીંગાણુ-હત્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
નાના એવા ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણીના ડખ્ખામાં મારામારી- હત્યા સુધી વાત પહોંચીઃ ફરિયાદની તજવીજ

બાબરાઃ તસ્વીરમાં ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીરઃ દિપક કનૈયા- બાબરા)
(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.૬: બાબરા તાલુકાના ફુલઝરમાં સરપંચની ચુંટણીના ડખ્ખામાં દેવાળીયાનાં મહેન્દ્રભાઇ ભાણભાઇ વાળાનું મોત થતા સનસનાટી મચી ગઇ છે. આ ઘટના બાદ ફુલઝર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ બાબરાના ફુલઝર ગામમાં બાવાજી પરિવારના લગ્નનું ફુલેકું નીકળ્યું હતું. ફુલેકામાં એક ટ્રેકટર ઘોડીને અડી જવાની નજીવી બાબતે બે જૂથના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેણે ગંભીર જૂથ અથડામણનું સ્વરૂપ લીધું હતું. આ સાથે એવું પણ કહેવાય છે કે આ જૂથ અથડામણ પાછળ ગ્રામ પંચાયતની ચૂંટણીના વ્યક્તિગત વેરઝેર પણ કારણભૂત છે.
જૂથ અથડામણ દરમિયાન એક જૂથે ક્રેટા ગાડી દોડાવી હોવાનું અને તેના નીચે કચડાઈ જવાથી દેવળિયા ગામના મહેન્દ્રભાઈ ભાણભાઈ વાળા (ઉ.૫૨)ને ગભીર ઈજા પહોંચતા સારવાર માટે ગોંડલ લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યાં પહોંચતા પહેલા જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ દેવળીયા ગામથી લગ્ન પ્રસંગમાં આવ્યા હોવાનું કહેવાય છે. આ અથડામણમાં બંને પક્ષના મળીને કુલ ૮ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી પ લોકોને વધુ સારવાર અર્થે ગોંડલ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ૩ ઇજાગ્રસ્તોને બાબરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અન્ય એક મનસુખભાઈ ભીખાભાઈ રાદડીયા (ઉ.૪૦)ની હાલત ગંભીર હોવાથી રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ બાબરા પોલીસનો કાફલો તાત્કાલિક ફુલઝર ગામે પહોંચી ગયો હતો. ફૂલઝર ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હત્યાનો ભોગ બનનાર મહેન્દ્રભાઇ વાળા ત્રણ બહેનના એક જ ભાઇ, પરિવારનો આધાર હતાં
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો
ઞ્જ ધીંગાણામાં હત્યાનો ભોગ બનનાર મહેન્દ્રભાઇ ભાણભાઇ વાળા-કાઠી દરબાર (ઉ.વ.૫૫)ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મહેન્દ્રભાઇ ત્રણ બહેનના એકના એક મોટા ભાઇ હતાં. તેમજ પરિવારનો તેઓ આધાર હતાં. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી વાળા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
બે ઇજાગ્રસ્ત હરદીપભાઇ અને દેવકુભાઇ વાળાને રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા
* દરમિયાન ધીંગાણામાં ઘાયલ થયેલા પૈકીના બાબરાના ફુલઝર ગામના હરદીપભાઈ દેવકુભાઈ વાળા (ઉ.વ.૨૯) અને દેવકુભાઈ ભાભલુભાઈ વાળા (ઉ.વ.૫૫)ને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બંને સાંજે પાંચ વાગ્યા આસપાસ ફુલઝર ગામે હતા ત્યારે સામેવાળા જયસુખ અને ખોડા તેમજ તેની સાથેના માણસોએ ઝઘડો કરી ધોકા અને પાઇપ વડે માર મારતા બાબરા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રાજકોટ દાખલ થતાં બાબરા પોલીસને જાણ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
