<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે પૃથ્વી પરિક્રમા યોજાઈ

કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ખીજડા મંદિરેથી પૃથ્વી પરિક્રમા - પદયાત્રા નીકળી : ભાવિકો જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ : છોટીકાશી ગણાતા જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ શ્રી 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ખીજડા મંદિરેથી પૃથ્વી પરિક્રમા - પદયાત્રા નીકળી હતી.

           આ પૃથ્વી પરિક્રમામાં શ્રી 5 મહામંગલપુરી ધામ સુરતથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય શ્રી 108 સૂર્યનારાયણદાસજી મહારાજ, સિક્કિમથી શ્રી 108 સુધાકારજી મહારાજ, ખીજડા મંદિરના સંતશ્રી 108 લક્ષ્મણદેવજી મહારાજ, શ્રી 108 દિવ્યચૈતન્યજી મહારાજ સહિતના સંતો મહંતો અને મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકોએ ભજન કિર્તન સાથે નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજે સ્થાપેલ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરેથી હવાઈચોક, સેન્ટ્રલ બેન્ક, દરબાર ગઢ, કાલાવડ નાકા બહાર થઈ ઠેબા ચોકડી પાસે આવેલા 12000 પારાયણ મહામહોત્સવ સ્થળ મૂલ મિલાવા ખાતે પદયાત્રા પહોંચી હતી. 

              જ્યાં સંત ગુરુજનોએ ધર્મ ધ્વજા લહેરાવી મહેર સાગરના પાઠનું પઠન કર્યું હતું. આ પ્રસંગે પધારેલા સુંદરસાથ ભાવિકોએ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના નવનિર્માણ માટે પણ સેવાનો ધોધ વહાવ્યો હતો. આ પૃથ્વી પરિક્રમામાં ખીજડા મંદિરના ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી, કિંજલભાઈ કારસરીયા, કિશનભાઇ વસરા, પ્રણામી ગ્લોબલ સ્કૂલના જી.એલ. તનેજા, કિશોરભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.

(11:51 AM IST)