<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે જામતો શિયાળો

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકઃ બપોરના સમયે અસહ્ય ઉકળાટ

રાજકોટ તા.૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે શિયાળો જામવા લાગ્‍યો છે. અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અસર થવા લાગી છે. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

દિવાળીના તહેવાર પછી મોટાભાગે શિયાળો પ્રારંભ થઇ જતો હોય છે પરંતુ આ વર્ષે દિવાળી પછી પણ કારતકમાં ચોમાસું બેઠું હોય એમ કમોસમી વરસાદ વરસ્‍યો હતો. જેના કારણે શિયાળાના શરૂઆત મોડી થઈ છે. જો કે છેલ્લા બે દિવસથી માવઠાનું જોર ઘટતા હવે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્‍યો છે. આજથી કમોસમી વરસાદની સંભાવના નહીંવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ  પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળશે અને રાજ્‍યમાં આજથી મહતમ તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન વિભાગના ડાયરેક્‍ટર એ.કે.દાસે જણાવ્‍યું હતું કે, હવે વરસાદની શકયતાઓ નહિવત છે. ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. પવનોની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડશે. રાજ્‍ય પરથી હવે વરસાદી સિસ્‍ટમો દૂર થઈ ગઈ છે. હવેથી રાજ્‍યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગે બેવડી ઋતુની આગાહી કરી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૯, મહતમ તાપમાન ૩૨, ભેજનું પ્રમાણ ૬૯%, પવનની ગતિ ૩.૪ કિ.મી. રહી હતી.

(1:17 PM IST)