તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 7th November 2025
જમીન સંપાદન વળતરના સગી બહેનના હિસ્સાના રૂા. ૫ કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધાઃ જેતપુરનો કિસ્સો
સુરત સ્થિત કેશુભાઇ પીપળીયાએ તેની પત્નીના ભાઇઓ અને પરિવારજનો સહિત ૮ સામે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા., ૬ : જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામની જમીન સંપાદનના કરોડો રૂપિયાના વળતરમાં સગા ભાઈઓએ તથા પરિવાજનો સહિત ૮ એ બહેન સાથે પ કરોડની છેતરપિંડી કરી હોવાની જેતપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ સુરત ખાતે વેપાર કરતા કેશુભાઈ મોહનભાઈ પીપળીયા (ઉ.વ. ૬૧)એ પોતાની પત્ની સવિતાબેનના આઠ સગા-સંબંધીઓ (૧) ધનજીભાઈ બાવાભાઈ મોવલીયા, (૨) સમજુબેન જીણાભાઈ મોવલીયા, (૩) રિધ્ધિશ જીણાભાઈ મોવલીયા, (૪) જસ્મીનબેન અમીતકુમાર રાદડીયા, (૫) કળતિબેન જીણાભાઈ મોવલીયા, (૬) રૈયાભાઈ બાવાભાઈ મોવલીયા, (૭) જયંતિભાઈ બાવાભાઈ મોવલીયા તથા (૮) ભુરાભાઈ બાવાભાઈ મોવલીયા (રહે. બધા સુરત) સામે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં કેશુભાઈએ જણાવ્યું છે કે, તેમના પત્ની સવિતાબેનના પિતાની જમીન સુરવો ડેમ સિંચાઈ યોજનામાં સંપાદન થવાની હતી. આ જમીનના વળતરની રકમ સવિતાબેનને ન મળે અથવા ઓછી મળે તેવા બદઈરાદાથી તેમના જ ભાઈઓ અને પરિવારજનોએ ૧૯૯૮થી ૨૦૨૪ દરમિયાન આખું ષડયંત્ર રચ્યું હતું. રેવન્યુ રેકર્ડથી લઈ બેંક સુધી છેતરપિંડી કરી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ આરોપીઓએ કથિત રીતે ૧૯૭૦ની સાલની એક બોગસ વહેંચણી નોંધ રેકર્ડ પર ઉભી કરી હતી. આ નોંધ મુજબ, જયારે અમુક ભાઈઓની ઉંમર માત્ર ૭થી ૧૩ વર્ષની હતી ત્યારે વહેંચણી થઈ ગઈ હોવાનું દર્શાવાયું હતું, જે ગેરકાયદેસર હતું. આ નોંધ પાછળથી રેકર્ડ પર ચડાવી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. સવિતાબેનના પિતાના અવસાન બાદ આરોપીઓએ વારસાઈ નોંધમાં તેમનું નામ દાખલ કરી, તરત જ એક બોગસ કબૂલાતનામાના આધારે ફરીયાદીના પત્નીનું નામ કમી કરાવી લીધું હતું. કબૂલાતનામા પર સવિતાબેનની સહી બોગસે અને બનાવટી હોવાનો એફએસએલ એક્સપર્ટનો સ્પષ્ટ રિપોર્ટ પણ ફરિયાદ સાથે પુરાવા તરીકે રજૂ કરાયો છે.
આરોપીઓએ સવિતાબેનનો વિશ્વાસ કેળવી, કેસના કાગળોની આડમાં તેમની પાસે ખોટી રીતે પાવર ઓફ એટર્ની તથા બેંકના કોરા ચેકો પર સહીઓ કરાવી લીધી હતી. આ જ ચેકોનો દુરુપયોગ કરી, આરોપીઓએ બેંકમાંથી વળતર પેટે આવેલી અંદાજે ૫ કરોડની રકમ સવિતાબેનની જાણ બહાર ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરીયાદ અન્વયે જેતપુર તાલુકા પોલીસે ઉકત આઠેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કૌભાંડમાં જે-તે સમયના તલાટી કમ મંત્રી અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (ગોંડલ શાખા)ના અધિકારીઓની પણ મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરાયો હોય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
