<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

ભાવનગરમાં બુટલેગરો બેફામ: વિદેશી દારૂની ડિલિવરી રોકવા ગયેલી પોલીસ ટીમ પર એસિડ એટેકનો હીચકારો પ્રયાસ; ઝપાઝપી બાદ આરોપીઓ ઝડપાયા

પોલીસ અને બુટલેગરો વચ્ચે ભારે ઘર્ષણ:પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો :હુમલાનો પ્રયાસ કરનાર મુખ્ય બુટલેગર અને તેના સાગરીતોની ધરપકડ કરી

ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં વિદેશી દારૂની ડિલિવરીની બાતમી પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) એ દરોડો પાડ્યો હતો. આ દરમિયાન, બુટલેગરો અને તેમની સાથેની મહિલાઓએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરી, ઝપાઝપી કરી હતી અને પોલીસ ટીમ પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.
 પોલીસે બળપ્રયોગ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી આરોપીઓની ધરપકડ કરી છે.
ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બેફામ બનેલા બુટલેગરોએ દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમ પર જ એસિડથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) ને ચોક્કસ બાતમી મળી હતી કે ચાવડીગેટ વિસ્તારમાં કેટલાક બુટલેગરો એક કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને ડિલિવરી આપવા માટે આવવાના છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને જેવી શંકાસ્પદ કાર આવી કે તરત જ તેને કોર્ડન કરી દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ ટીમે જ્યારે કારમાંથી દારૂનો જથ્થો જપ્ત કરવાનો અને આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે બુટલેગરો અને તેમની સાથે રહેલી કેટલીક મહિલાઓએ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. આરોપીઓએ પોલીસ સાથે ભારે બોલાચાલી, ગાળાગાળી અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી.
પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે પોલીસની કાયદેસરની કાર્યવાહી રોકવા માટે એક બુટલેગરે પોલીસ ટીમ પર એસિડ ભરેલી બોટલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે, પોલીસની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ હીચકારા કૃત્ય બાદ પોલીસે તાત્કાલિક બળપ્રયોગ કરીને આરોપીઓને કાબૂમાં લીધા હતા.
આ સમગ્ર ઘટનામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી, હુમલાનો પ્રયાસ કરનાર મુખ્ય બુટલેગર અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસ અને સરકારી કામગીરીમાં રુકાવટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:37 PM IST)