News of Saturday, 8th November 2025
એકના ડબલ અને નકલી નોટોના નામે ઠગાઈ કરે એ પહેલાં જ કચ્છના ગાંધીધામની ચીટર ગેંગ ઝડપાઈ
ઈન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવનાર ત્રણ ચીટર પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપ્યા : ઈન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવી લોભિયા લોકોને ઝડપથી રૂપિયા કમાવવાની લાલચમાં ફસાવી રૂપિયા પડાવી લેનાર ચીટર ગેંગો કચ્છમાં સક્રિય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : એકના ડબલ અને નકલી નોટોના નામે ઝડપથી રૂપિયા કમાવવાની લાલચ આપી સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સાથે ચિટિંગ કરનાર ટોળકી પૂર્વ કચ્છ એલસીબી એ ઝડપી લીધી છે. ગાંધીધામ બસ સ્ટેશન ઉપરથી પોલીસે સબીરહુસેન સુલતાન શેખ, રમજાન સાલેમામદ કકલ અને ઈરફાન ગુલામ હુસેન સૈયદને ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપી અંજાર અને કનૈયાબે (ભુજ) ના છે. એક આરોપી ઇસબશા અલીશા શેખ, અંજાર ફરાર છે. પોલીસે મનોરંજન બેંકની અસલી જેવી લાગતી ૨૪ નકલી નોટો, અલ્ટો કાર, એક્ટિવા સાથે ૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઈન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવી લોભિયા લોકોને ઝડપથી રૂપિયા કમાવવાની લાલચમાં ફસાવી રૂપિયા પડાવી લેનાર ચીટર ગેંગો કચ્છમાં સક્રિય છે. જોકે, આ ચીટર ગેંગો ઉપર પોલીસ નજર રાખી તેમની સામે કાયદેસર કાર્યવાહી પણ કરી રહી છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં લોકો લાલચુ બની રૂપિયા કમાવી લઈશું એવું સમજી આ ઠગોની જાળમાં ફસાય છે પછી રોવાનો વારો આવે છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
