<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ચૂડાના નવી મોરવાડ ગામે પ્રેમ લગ્નના મનદુઃખે ૨૦ શખ્‍સોનો હૂમલોઃ ઘરમાં નૂકશાનઃ કારના કાચ ફોડયા

વઢવાણ તા.૮: ચૂડા તાલુકાના નવી મોરવાડ ગામે પ્રેમ લગ્નનું મનદુઃખ રાખીને યુવતીના પરિવારના ૨૦ સભ્‍યો યુવકના પિતરાઈ ભાઈના ઘરે લોખંડનો પાઈપ, લાકડી અને પથ્‍થરો લઈને દોડી ગયા હતા. જેમાં પથ્‍થરોના ઘા કરી, ઘરના દરવાજા અને કારને નુકશાન કરી સળગાવી દેવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાઈ છે.

માત્રાણીયા ફળીમાં રહેતા ૩૫ વર્ષીય ભગવાનભાઈ ઉર્ફે મુકેશભાઈ રણછોડભાઈ કારોલીયા ડ્રાઈવીંગનો વ્‍યવસાય કરે છે.તા. ૧૪-૧૫ સપ્‍ટેમ્‍બરના રોજ તેમના કાકાનો દિકરો સંજયભાઈ વિઠ્ઠલભાઈ કારોલીયા ગામની અસ્‍મીતાબેન ધીરૂભાઈ માત્રાણીયા સાથે પ્રેમસબંધ હોઈ બન્ને ભાગી ગયા હતા. અને તા. ૨૫-૯ના રોજ તેઓએ પ્રેમલગ્ન કર્યા હતા. અને બન્ને તા. ૨-૧૦-૨૫ના રોજ પોલીસ મથકે હાજર થયા હતા. બાદમાં અસ્‍મીતાબેનને તેના પરિવારજનોએ ઘરે જવા સમજાવ્‍યા હતા. પરંતુ તેઓ ઘરે ગયા ન હતા. અને સંજયભાઈની સાથે જ રહેતા હતા. આ વાતનું મનદુઃખ રાખીને ધીરૂભાઈ માત્રાણીયા સહિતનો પરિવાર ભગવાનભાઈના પરિવારને હેરાન કરતો હતો.

આથી પરિવારના સભ્‍યો વઢવાણના મઢાદ ગામે ભાગવી રાખેલ વાડીએ જતા રહ્યા હતા. પરંતુ નવી મોરવાડ શાળામાં બાળકો અભ્‍યાસ કરતા હોય અને તા. ૬-૧૧ના રોજ બાળકોની શાળા શરૂ થતી હોઈ તા. ૫-૧૧ના રોજ ભગવાનભાઈ સહિતનાઓ ઘરે પરત આવ્‍યા હતા. ત્‍યારે તા. ૬-૧૧ના રોજ સાંજે અજીત માત્રાણીયા સહિતનાઓ તેમના ઘરે આવ્‍યા હતા. અને અપશબ્‍દો કહી તારો ભાઈ અમારા સમાજની દિકરીને ભગાડી ગયો છે, અમારી દિકરીને પરત આપી દેજો તેમ કહ્યુ હતુ. આથી ભગવાનભાઈએ ૧૧૨ જનરક્ષકમાં ફોન કરતા તે જતો રહ્યો હતો.

બાદમાં રાત્રે ૧૦ કલાકે ૨૦ શખ્‍સોનું ટોળુ હાથમાં લોખંડનો પાઈપ, લાકડી અને પથ્‍થરો લઈને આવ્‍યુ હતુ. આથી ભગવાનભાઈએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. જેમાં આ શખ્‍સોએ તોડફોડ કરી પથ્‍થરોના ઘા કરી ઘરના સભ્‍યોને મારવાની તથા સળગાવવાની ધમકી આપી હતી. અને બહાર પડેલ કારના કાચ ફોડી નાંખ્‍યા હતા. આ અંગે ભગવાનભાઈએ ચુડા પોલીસ મથકે ૨૦ શખ્‍સોના ટોળા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ઈન્‍ચાર્જ પીઆઈ એન.એ.ડાભી ચલાવી રહ્યા છે.

(11:44 AM IST)