<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

મોરબીમાં લાંચ લેતા પકડાયેલ જીઇબીના નાયબ ઇજનેર સહિત બેના ઘરે એસીબીની જડતી

બંન્નેના ઘરમાંથી કંઇ મળ્‍યુ નહિઃ આજે રીમાન્‍ડ અને કોર્ટમાં રજુ કરાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૮: મોરબીમાં લાંચ લેતા પકડાયેલ જીઇબીના નાયબ ઇજનેર અને વચેટીયાના ઘરે એસીબીએ જડતી કરી હતી પણ બંન્નેના ઘરમાંથી કંઇ મળ્‍યું ન હતું. આજે બંન્નેને રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપનીએ બે જગ્‍યાએ સોલાર પ્‍લાન્‍ટનું કામકાજ કર્યું હતું અને ત્‍યાં બંને સ્‍થળે સોલાર પ્‍લાન્‍ટમાં સમયસર ઇલેક્‍ટ્રિક મીટર લગાવવામાં આવે તથા લગાવેલ સોલાર પ્‍લાન્‍ટમાં કોઇપણ પ્રકારની હેરાનગતિ ન કરવામાં આવે તેના માટે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા ૨૦ હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી જો કે, સોલારનું કામ કરતી કંપનીએ લાંચ આપવી ન હતી જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્‍યારબાદ આજે મોરબીમાં પીજીવીસીએલ કચેરી પાસે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્‍યું હતું અને ત્‍યારે નાયબ ઇજનેરે ફરિયાદી સાથે વાત કરી હરતી અને તેના વતી લાંચની રકમ લેતા વચેટિયો પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણા ઝડપાઇ ગયો હતો જેથી એસીબીની ટીમે હાલમાં આરોપી તરીકે પીજીવીસીએલના નાયબ ઈજનેર મનીષભાઇ અરજણભાઇ જાદવ અને વચેટિયા પ્રવીણભાઇ નાનજીભાઇ માકાસણાની ધરપકડ કરી હતી.

લાંચ લેતા પકડાયેલ બન્નેના ઘરે એસીબીએ જડતી કરી હતી પણ કંઇ મળ્‍યું ન હતું. બન્નેને આજે રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે

(12:04 PM IST)