<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ભોપલકા ગામના યુવાનનું કૂવામાં ડૂબી જતા અપમૃત્યુ

કલ્‍યાણપુરમાં પવનચક્કીની કામગીરી દરમિયાન ઝપાઝપી

જામ ખંભાળિયા, તા. ૧૦: ભોપલકા ગામે રહેતા પીયુરાજસિંહ અશોકસિંહ જાડેજા નામના એક ગરાસિયા યુવાન આ જ ગામે રહેતા એક આસામીની વાડીમાં આવેલા કુવામાં ન્‍હાવા માટે ઉતર્યા હતા. ત્‍યારે તેઓ કુવાના પાણીમાં ડૂબી જતા  સરપંચ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્‍ટાફના જવાનો તાકીદે આ સ્‍થળે પહોંચી ગયા હતા અને લાંબી જહેમત બાદ પીયુરાજસિંહ જાડેજાનો મળતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્‍યો હતો.

આ અંગે અશોકસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ. ૪૬) એ કલ્‍યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્‍માત મૃત્યુ  અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.

ખંભાળિયામાં રામનગર વિસ્‍તારમાં રહેતા અને પવનચક્કી કંપનીમાં કામ કરતા દેવાણંદભાઈ આલાભાઈ સુવા નામના ૬૩ વર્ષના વળદ્ધ તથા અન્‍ય કર્મચારીઓ શનિવારે કલ્‍યાણપુર તાલુકાના નંદાણા ગામે વિન્‍ડ સોલ એન્‍જિનિયરિંગ કંપનીના પવનચક્કીના ટાવરની ચાલી રહેલી કામગીરી દરમિયાન આ સ્‍થળે હતા, ત્‍યારે નંદાણા ગામનો મેરામણ જેઠાભાઈ વારોતરીયા નામનો શખ્‍સ અહીં ધસી આવ્‍યો હતો.

અહીં રહેલા ફરિયાદી દેવાણંદભાઈ સુવાને તેણે બિભત્‍સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, આરોપીએ દેવાણંદભાઈને ફડાકા ઝીંકીને ઢીકાપાટુનો મૂઢમાર મારી, હવે પછી જો તેઓ આ સાઈટ પર કામ ચાલુ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્‍ચારી હોવાની ધોરણસર ફરિયાદ કલ્‍યાણપુર પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્‍યાય સંહિતાની કલમ હેઠળ મેરામણ જેઠાભાઈ વારોતરીયા સામે ગુનો નોંધ્‍યો છે.

ઓખામાંથી છ જુગારીઓ ઝડપાયા

ઓખાના ગાંધીનગરી વિસ્‍તારમાં એલ.સી.બી. પોલીસે કરેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જગદીશભાઈ કરમુર અને પ્રવીણભાઈ માડમની બાતમી પરથી પોલીસે જુગાર દરોડો પાડયો હતો. અહીં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઈશા મુસા ચૌહાણ, મજીદ ઉમર મોખા, રફીક ઉમર ચાંગડા, આદમ સુલેમાન સંઘાર, જાવેદ જુસબ થૈયમ અને ફિરોજ જુસબ સુમણીયા નામના છ શખ્‍સોને બે મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧૯,૧૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(2:11 PM IST)